ધવલ પારેખ/નવસારી :‘મા તે મા બીજા બધા વગડાના વા’ આ કહેવત આજે નવસારીમાં ખોટી સાબિત થઈ છે. કારણ નવસારીના કસ્બા ગામના રાધાકૃષ્ણ મંદિર પરિસરના બાંકડા પરથી બે દિવસની નવજાત બાળકીને કોઈ છોડીને જતુ રહ્યુ છે. બાળકી મળી આવતા સ્થાનિકે લોકોએ નિષ્ઠુર માતા પર ફિટકાર વરસાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી-સુરત માર્ગ પર આવેલા કસ્બા ગામમાં રાધાકૃષ્ણ મંદિર આવેલું છે. આ મંદિરના પરિસરમાં રોડ નજીકના બાકડા પરથી આજે વહેલી સવારે હાડ થીજવતી ઠંડીમાં ત્યજી દેવાયેલી બે દિવસની નવજાત બાળકી પૂજારીના ધ્યાને આવી હતી. પૂજારી અને તેની પત્નીએ તાત્કાલિક રડતી બાળકીને શાલ અને ધાબળો ઓઢાડી ગરમી આપવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મંદિર ટ્રસ્ટના પ્રમુખને ફોન કરી બોલાવ્યા હતા. 


આ ઘટનાને પગલે નવસારી ગ્રામ્ય પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને પણ ફોન કરી બોલાવવામાં આવી હતી. 108 ના કર્મચારીઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી. સાથે જ પૂજારી અને ટ્રસ્ટના પ્રમુખ સાથે બાળકીને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડી હતી. જ્યાં સિવિલ હોસ્પિટલના બાળ નિષ્ણાંત ડૉ. આશાબેન અને એમની ટીમે બાળકીને તાત્કાલિક બાળ ICU માં કાચની પેટીમાં મૂકી સારવાર આરંભી હતી. 



સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે,બાળકીને જન્મ કોઈ હોસ્પિટલમાં થયો હોવો જોઈએ. બાળકી 1 કિલો 700 ગ્રામ વજનની છે અને અધૂરા માસે જન્મી હોવાનું અનુમાન છે. જોકે સમયે બાળકીને સારવાર મળતાં હાલમાં તેની તબિયત સારી છે. જ્યારે સમગ્ર મુદ્દે મંદિરનાં પૂજારીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.