વેપારીઓ માટે રાહતના સમાચાર, કર્ફ્યૂમાં વેપાર-ધંધાને મળી છૂટછાટ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
વેપારીઓ સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખોલી શકાશે દુકાનો રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રી કર્ફ્યૂ સહિત અનેક કડક નિયમો લાગૂ છે. જેની સમય મર્યાદા આજે પૂરી થઈ રહી છે. રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે.
મુખ્યમંત્રીએ પીપાવાવમાં કરી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ગયા છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના પીપાવાવમાં કહ્યુ કે, હવે 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લાગૂ છે ત્યાં વેપારીઓ સવારે 9થી બપોરે ત્રણ કલાક સુધી દુકાનો ખોલી શકશે. હવે જીવન જરૂરીયાત સિવાય અન્ય વસ્તુઓની દુકાનો પણ ખોલી શકાશે. આ છૂટછાટ 27 મે સુધી અમલમાં રહેશે.
Surat: સીઆર પાટીલે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો
વેપારીઓ સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખોલી શકાશે દુકાનો
રાજ્યમાં અત્યાર સુધી કર્ફ્યૂને કારણે 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે.
યથાવત રહી શકે છે રાત્રી કર્ફ્યૂ
રાજ્યમાં ભલે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હજુ એક સપ્તાહ એટલે કે આગામી 27 મે સુધી રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહી શકે છે. માત્ર મુખ્યમંત્રીએ દિવસમાં છ કલાક માટે વેપારીઓને ધંધા-રોજગારની છૂટ આપી છે.
આ શહેરોને મળી છૂટછાટ
ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ છે. હવે અહીં વેપારીઓ મર્યાદિત સમય માટે પોતાની દુકાનો ખોલી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube