Loksabha Election 2024: સુરતની હાઇપ્રોફાઇલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવી દીધી હોવાને કારણે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એવામાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ એકાએક પ્રગટ થયા છે અને સમગ્ર વિવાદ અંગે પહેલીવાર ખુલીને બોલ્યા છે. કુંભાણીએ એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનું ફોર્મ રદ થયું ત્યારથી કોંગ્રેસના નિલેશ કુંભાણી ગાયબ હતા. જેને લઈને કોંગ્રેસમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા હતા. જેમાં અંતે કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે સસ્પેન્ડ થતાંની સાથે જ નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા છે. જેમાં તેમણે હજુપણ કોંગ્રેસના સૈનિક હોવાની વાત કરી છે, સાથે જ કોંગ્રેસના જ અમુક લોકો પર આડકતરી રીતે આક્ષેપ પણ કર્યા છે. નિલેશ કુંભાણીએ શું કહ્યું?



કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. હવે આ વીડિયો બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કુંભાણી મોવડી મંડળના સંપર્કમાં હતા તો સસ્પેન્ડ કેમ થયા? શું કોંગ્રેસનું મોવડી મંડળ સાચુ કે કુંભાણી સાચા? કુંભાણીએ કહ્યું કે હું કાલે અમદાવાદમાં હાજર થઈશ.


ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે નિલેશ કુંભાણીએ વીડિયો વાયરલ કરીને પોતાની પ્રતિક્રિયા સામે આવી છે.