Game of Gujarat : નીતિન પટેલ અને અર્જુન મોઢવાડિયા સામસામે, કરી જોરદાર ચર્ચા
`ગેમ ઓફ ગુજરાત` (Game of Gujarat)ના સાતમા સેશનમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને કોંગ્રેસના ટોચના નેતા અર્જુન મોઢવાડિયાએ વિકાસના દાવાઓના મામલે હકીકતની વાત કરી
અમદાવાદ : 'ગેમ ઓફ ગુજરાત' (Game of Gujarat)ના સાતમા સેશનમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને કોંગ્રેસના ટોચના નેતા અર્જુન મોઢવાડિયાએ વિકાસના દાવાઓના મામલે હકીકતની વાત કરી. નીતિન પટેલે જણાવ્યું કે બીજેપીએ ગુજરાતમાં સરકારી સ્કૂલો બનાવી છે, હોસ્પિટલો બનાવી છે તેમજ કોલેજો બનાવી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ મુદ્દા મામલે આરોપ મૂકતા જણાવ્યું કે બીજેપીએ 22 વર્ષના રાજમાં એક પણ સરકારી સ્કૂલ કે સરકારી હોસ્પિટલ નથી બનાવી. આ સિવાય રાજ્યમાં લોકો માટે નોકરી નથી અને વીજળી પણ નથી.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું છે દેશમાં સૌથી વધારે કુપોષિત બાળકો ગુજરાતમાં છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે આઇટી ઉદ્યોગમાં ગુજરાતનું નામ નથી. અર્જુન મોઢવાડિયાએ આરોપ મૂક્યો છે કે બીજેપીના રાજ્યમાં જે વિકાસ થયો છે તે માત્ર કેટલાક ઉદ્યોગપતિ અને રાજનેતાઓનો થયો છે.
નીતિન પટેલે ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાના સવાલોનો જવાબ આપતા કહ્યું છે કે અમે ગુજરાતમાં કિડની હોસ્પિટલ બનાવી છે. અમે સ્કૂલોમાં ક્લાસ વધાર્યા છે અને અમે શિક્ષણ માટે 25 હજાર કરોડ રૂ. ફાળવ્યા છે. અમે બે લાખથી વધારે ટીચર્સની નિયુક્તિ કરી છે. ગુજરાત બીજેપી નેતા જીતુ વાઘાણીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ગુજરાતમાં વિકાસ થયો છે તો બીજેપી કેમ ચિંતામાં છે ? આ વાતનો જવાબ આપતા બીજેપી નેતાઓએ જણાવ્યું છે કે આ ખોટો પ્રચાર છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ જણાવ્યું છે કે જે મધ્યમવર્ગે બીજેપીને વોટ આપ્યો છે એના પેટ પર બીજેપીએ લાત મારી છે. ભરત સિંહ સોલંકીએ કહ્યું છે કે ગુજરાતમાં બીજેપીને 150 સીટ નહીં પણ માત્ર 50 સીટ મળશે. અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે કે બીજેપીના શાસનમાં ખેડૂતોને મળતી કિંમતો અડધી થઈ ગઈ છે. પહેલાં યુવાનોને નોકરી મળતી હતી પણ આજે યુવાનો બેરોજગાર છે.
ભરત સિંહ સોલંકીએ જણાવ્યું છે કે ગુજરાતની જનતા બીજેપીથી ત્રસ્ત છે.