આ વર્ષે સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય
- કોર કમિટીની બેઠક બાદ સરકાર ઉત્તરાયણના તહેવારની ગાઈડલાઈન અંગે જાહેરાત કરી શકે છે
- એક ધાબા પર 50 લોકો કે વધુ લોકો ભેગા થવાને મંજૂરી નહિ આપવામાં આવે
ઉદય રંજન/અમદાવાદ :કોરોનાકાળમાં જનતા કરફ્યૂ, લોકડાઉન અને રાત્રિ કરફ્યૂમાં જ તહેવારોની ઉજવણી કરવી પડી છે. આવામાં નવા વર્ષમાં પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે કેવી છૂટછાટ અપાશે તેના પર સૌની નજર છે. ઉત્તરાયણ (uttaryan) ને હજી થોડા દિવસ બાકી છે, ત્યાં નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય. એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો : સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા
કોર કમિટીની બેઠક બાદ સરકાર ઉત્તરાયણના તહેવારની ગાઈડલાઈન અંગે જાહેરાત કરી શકે છે. ત્યારે આ પહેલા ઉત્તરાયણના તહેવાર મામલે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોઈ અધિકૃત કાર્યક્રમ કરવાનો નથી. પરંતુ ઉત્તરાયણમાં કેટલા એકઠા થાય છે, એક જ અગાશીમાં કેટલા લોકો ભેગા થઈ શકે આ અંગેનો નિર્ણય અમારી કોર કમિટીમાં લેવાશે. તે અંગે ટૂંક સમયમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. બહુ લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અગાશી પર એક જ પરિવારના લોકો ભેગા થાય, તેઓ પોતાના પરિવારના લોકો સાથે પતંગ ઉડાડે તો વાંધો નહિ આવે. જોકે એક ધાબા પર 50 લોકો કે વધુ લોકો ભેગા થવાને મંજૂરી નહિ આપવામાં આવે.
આ પણ વાંચો : ગુજરાતના સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણી કરી, ઈન્દોરમાં ધરપકડ
ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણમાં એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ મળી શકે છે. કોર કમિટીની બેઠક બાદ સરકાર આ અંગે જાહેરાત કરી શકે છે. પરંતુ જે રીતે ગુજરાતમાં સોસાયટીના અને એપાર્ટમેન્ટના લોકોમાં એકસાથે ઉજવણી કરવાનો ટ્રેન્ડ છે તે અંગે નિરાશા સાંપડી શકે છે. સોસાયટીના લોકો એકસાથે મળીને પતંગ નહીં ઉડાવી શકે. એક જ અપાર્ટમેન્ટમાં રહેતા લોકો કોમન ધાબા પર જઈ પતંગ નહીં ઉડાવી શકે.