ગાંધીનગરઃ ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નીતિન પટેલે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવામાં આવશે નહીં. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકારે બહુ પહેલા જ વેટ ઘટાડી દીધો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશમાં માત્રને માત્ર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર માત્ર 20 ટકા જ વેટ છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઈંધણ પર 25થી 30 ટકા ટેક્સ લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. 


સતત 24માં દિવસે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો
પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવવધારાએ માઝા મુકી છે. આજે 24મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. પેટ્રોલમાં સરેરાશ 14 પૈસા અને ડીઝલમાં સરેરાશ 15 પૈસા પ્રતિ લિટરનો વધારો ઝીંકાયો છે. છેલ્લા સપ્તાહથી સતત થયેલા ભાવવધારાને કારણે સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવવધારાની અસર અન્ય ચીજ વસ્તુઓ પર પણ પડી છે અને લોકોનાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવને ડામવામાં સરકાર નિષ્ફળ સાબિત થઇ છે ત્યારે હવે લોકોનો આક્રોશ ભાવ ન ઘટતા સામે આવી રહ્યો છે. જેને પગલે ગઇકાલે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી ભારત બંધનું એલાન અપાયું હતુ.