બીજાની ગાડી લઇને આપણી દીકરીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવતા લોકો વિરુદ્ધ કડક કાયદો બનશે: નીતિન પટેલ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગર અને ગોતામાં જાહેર સભા સંબોધી હતી. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ મુસ્લિમોના મુદ્દા પર રહ્યું હતું.
જાવેદ સૈયદ/અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગર અને ગોતામાં જાહેર સભા સંબોધી હતી. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ અને વિધર્મીઓના મુદ્દા પર રહ્યું હતું.
પોતાના સંબોધનમાં નીતિન પટેલે જણાવ્યું કે, મોટા ભાગના રાજ્યમાં ભાજપની જ બોડી લાવવી તે માટેનો જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ગોતાની સભા મળી ત્યારે જાણે મને મારા ગામની સભા મળી હોય તેટલો આનંદ થયો. ગોતા મારા ઘર જેવું છે. અહીં બધા મને ઓળખે છે. અહીં મત અમને આપો તેવો પ્રચાર કરવો પડે તેવું મને લાગતું નથી. તેમ છતા પણ કહી દઉ કે મત ભાજપને જ મળવો જોઇએ. અમદાવાદ એક ઐતિહાસિક નગરી છે. કર્ણાવતી આનું સાચુ નામ છે. મહાત્મા ગાંધી હોય કે સરદાર પટેલ હોય તમામની કારકિર્દી અમદાવાદથી જ શરૂ થઇ છે. અમદાવાદ નગરપાલિકાના વડા રહી ચુક્યા છે વલ્લભભાઇ પટેલ. તેમણે વિકાસનો પાયો નાખ્યો તેને ભાજપે આગળ ધપાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ અમદાવાદને મજબૂત કરવામાં કોઇ જ કચાશ રાખી નહોતી. અમદાવાદનો કોઇ વિસ્તાર એવો નહી હોય કે નરેન્દ્ર મોદી ત્યાં નહી ફર્યા હોય.
આટલા મોટા અને ઐતિહાસિક શહેરની જવાબદારી જવાબદાર લોકોને સોંપવી પડે. એવા લોકોને જવાબદારી સોંપો કે જેમને દેશ, રાજ્ય અને નગરપાલિકા અને પાલિકાઓ ચલાવવાનો અનુભવ હોય. આવો અનુભવ માત્ર ભાજપ પાસે જ છે. ભાજપ છેલ્લા 25 વર્ષોથી આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવો અનોખો નાતો ગુજરાતનાં લોકો અને ભાજપ વચ્ચે છે. હાલનું અમદાવાદ અને પહેલાનું અમદાવાદ જુઓ તો હાથી ગાડાનો ફરક છે. અત્યારે અમદાવાદ અતિવિકસિત અને અતિઆધુનિક છે.
જૂના અમદાવાદની શું સ્થિતિ છે તે તમે બધા જ જાણો છો. આ તો મોદી સાહેબનો આભાર, જનતાનો આભાર કે ભાજપની સરકાર બની નહીતર પહેલા તો અમે કડીથી કાલુપુર જવું હોય ધંધાના કામે તો પહેલા જાણવું પડે કે અમારા વેપારીઓને કે કાલુપુર આવવાનું છે, તો વેપારીઓ કહેતા કે અઠવાડિયું ના આવતા અહીં કર્ફ્યૂં છે. અમારા મશીનો બંધ હોય પટ્ટા તુટી ગયા હોય તો તમારા જમાલપુર, કાલુપુરનાં માર્કેટનાં કર્ફ્યૂના કારણે અડધુ ગુજરાત બંધ રહેતું હતું. જમાલપુરમાં કર્ફ્યૂં હોય તેવામાં ખેડૂતોની શાકભાજી પણ પડી પડી બગડી જાય પણ ત્યાં જઇ શકાતું નહોતું.
અમદાવાદની જે દુખતી કડી હતી તે બધાને નડતી હતી. પણ નાગરિકોનો આભાર 1995માં ભાજપની સરકાર આવી. 30-35 વર્ષ સુધીના લોકોને ખબર જ નથી કે પહેલા અમદાવાદની શું સ્થિતિ હતી. અમે કડીથી નીકળીએ અને અડાલજ પાસે પોલીસ વાળા બસને પાછી મોકલે કહે કે અમદાવાદમાં તો કર્ફ્યૂં છે. તો કોંગ્રેસની જે મેન્ટાલિટી હતી તેના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો. કોંગ્રેસ પોતાની મતબેંકની રાજનીતિ કરતી હતી. અમુક વર્ગને નારાજ કરીએ તો તે આપણને મત ન આપે અને ભાજપ જીતી જાય. માટે કોંગ્રેસ હિંદુઓનું જે થવું હોય એ થાય, રથયાત્રા નિકળવી હોય તો નિકળે, ભારતીય સંસ્કૃતિનું જે થવું હોય તે થાય પણ અમારી વોટ બેંક નારાજ ના થવી જોઇએ.
ગૌહત્યા કરનારા કરે, કસાઇઓ ખુલ્લેઆમ ફરે.ગુંડાઓ, માફિયાઓ, બુટલેગરો ખુલ્લેઆમ ફરે પણ કોંગ્રેસની સરકાર એમને હાથ અડાડતી નહોતી. કોંગ્રેસને ખબર પડતી એવું નઇ પણ તેને આપણા કરતા ડબલ પડતી હતી. એક ખબર એ પડતી હતી કે આ ગુંડા છે માફિયા છે બુટલેગર છે. પણ તરત બીજી ખબર પડતી કે આમને પકડીશું તો આ વિસ્તારમાંથી આપણા મત જતા રહેશે. મત જવાની બીકે 1995 સુધી કોંગ્રેસે ગુંડા, માફીયાઓને, ગાયો ઉપાડી જતા, મંદિરો પર હુમલા કરતા, આપણી બહેન દીકરીઓને જાહેરમાં, બસોમાં ખુલ્લેઆમ છેડતી કરતા તેને કોઇ રોકી શકતું નહોતું તેને પાળ્યાં. તેના પર 1995થી બ્રેક વાગી ગઇ.
માત્ર અમદાવાદ નહી વડોદરામાં પણ આવું હતું. વડોદરામાં પણ ગણેશ ચતુર્થી, નરસિંહજીનો વરઘોડો નીકળે આ બધુ થઇ શકતું નહોતું. આ બધો સપાટો બોલાવવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે એકલું પાણી આપ્યું, રસ્તા બનાવ્યા ભુગર્ભ ગટર બનાવી, બસો વધારી, મેટ્રો લાવ્યા, હાઇવે 6 લેન કરી રહ્યા છીએ. કોઇ કોંગ્રેસવાળાની જેમ કોણીએ ગોળ લગાવવાની વાત નથી. જેનું ખાતમુહુર્ત કરીએ તેનું ઉદ્ધાટન પણ કરવાનું. આગામી 5 વર્ષ પણ ભાજપને જ તમારે બધાએ આપવાનાં છે.
અમે હવે લવ જેહાદનો કાયદો લાવવા જઇ રહ્યા છીએ. આપણી દીકરીઓને નામ બદલીને ભોળવીને લઇ જતા બીજા જ્ઞાતિ અને ધર્મના લોકો વિરુદ્ધ કડક પગલા લઇશું. આપણી દીકરીઓ સાથે હિંદુ બનીને ભોળવીને લઇ જાય, ઘરે ખાવાનાય ફાંફા હોય પણ કોકની માંગી મોટર સાયકલ કે રિપેરિંગમાં આવેલી ગાડી લઇને ફરવા નીકળે. પેટ્રોલના પૈસા બીજા કોકે આપ્યા હોય અને આપણી દીકરીઓ પર વટ પાડે. જો કમનસીબે આપણી દીકરી તેની માયાજાળ માં ફસાઇ જાય અને ધર્મ પરિવર્તન કરે તો આખા સમાજમાં ખૂબ જ ખરાબ અસર પડે. આવા લોકોને ડામવા માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર લવ જેહાદનો કાયદો લાવવાનું પણ અમે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube