હનીફ ખોખર/જુનાગઢ :હાલ બંને પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે સામે આકરા તકડામાં ભીડ એકઠી કરવી પણ કાર્યકર્તાઓ માટે મોટી ચેલેન્જ છે. ત્યારે વિસાવદરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. આયોજિત સભામાં 95 ટકાથી વધુ ખુરશીઓ ખાલી રહેતા અંતિમ ઘડીએ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતની 26 લોકસભા બેઠકો અંકે કરવા માટે દરેક જિલ્લામાં પ્રચાર કરી રહ્યા છે. રોજ તેમની સભાઓ અને રોડ શો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે વિસાવદરમાં સભાનું આયોજન કરાયું હતું. જેમાં સભા સ્થળે મોટાભાગની ખુરશીઓ ખાલી રહેતા છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરાયો હતો. તસવીરમાં ખુરશીઓ કેટકેટલે સુધી ખાલી છે તે જોઈ શકાય છે. 


હેલિકોપ્ટર પરત ફર્યું
સીએમ રૂપાણીનું હેલિકોપ્ટર કાર્યક્રમ માટે વિસાવદર તો પહોંચ્યું, પણ સભામાં કોઈ ના આવતા હેલિકોપ્ટર પરત જવા રવાના થયું હતું. ત્યારે બીજી તરફ, સભામાં જાહેરાત કરાઈ કે મુખ્યમંત્રીને અમિત શાહ સાથે કોડીનાર જવાનું થતા સભામાં હાજરી નહિ આપે. ત્યારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ્દ થતા ભાજપના કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. 


ઉલ્લેખનીય છે કે, અમિત શાહના કાર્યક્રમનું બહાનુ ધરીને મુખ્યમંત્રીના વિસાવદર કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો હોય. પણ અમિત શાહનો કાર્યક્રમ તો અગાઉથી નક્કી જ હતો, તેથી કાર્યક્રમમાં ભીડ ન થતા મુખ્યમંત્રી પહોંચ્યા નહિ તેવું સૂત્રોએ જણાવ્યું હતું.