• અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ ડૉક્ટરોનું લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. AMA દ્વારા દિવાળીની રજાઓમાં સરળતાથી ઉપલબ્ધ રહેનાર ડૉક્ટરોનું લિસ્ટ આગામી બે દિવસમાં જાહેર કરશે


અતુલ તિવારી/અમદાવાદ :શિયાળાની શરૂઆત સાથે જ છેલ્લા બે દિવસથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની જરૂરિયાતને જોતા ડોક્ટરોની દિવાળી રજા રદ્દ કરાઈ છે. અમદાવાદ સિવિલ કેમ્પસ (civil hospital) માં અંદાજે 7000 જેટલા કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે. દિવાળીની રજામાં પણ ડોક્ટર, નર્સ, ટેક્નિકલ - નોનટેક્નિકલ, સફાઈકર્મીઓ દર્દીઓની સેવામાં ખડેપગે હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1200 બેડ કોવિડ હોસ્પિટલમાં તમામ સ્વાસ્થયકર્મીઓ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે તેવુ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.જેપી મોદીએ જણાવ્યું. જેથી હવે કોરોનાકાળમાં ઉજવાતી દિવાળીમાં દર્દીઓને પૂરતી સુવિધા મળી રહેશે. 


આ પણ વાંચો : વિધાનસભાની 8 બેઠકોનાં આજે પરિણામ : બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે 


ખાનગી તબીબો પણ દિવાળીમાં ઉપલબ્ધ રહેશે
તો બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ ડૉક્ટરોનું લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. AMA દ્વારા દિવાળીની રજાઓમાં સરળતાથી ઉપલબ્ધ રહેનાર ડૉક્ટરોનું લિસ્ટ આગામી બે દિવસમાં જાહેર કરશે. 


બે દિવસમાં અવેલેબલ તબીબોનું લિસ્ટ જાહેર કરાશે 
કોરોનાકાળમાં દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવું પણ શક્ય ના હોવાથી ડોક્ટરો દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. તેમજ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખે તેવી પણ એએમએ દ્વારા અપીલ કરાઈ છે. દિવાળીની રજામાં સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ખાનગી ડોક્ટરોના નામ અને નંબર અમદાવાદ મેડિકલ એસોસિએશન બે દિવસમાં જાહેર કરશે તેવુ અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો.મોના દેસાઈએ જણાવ્યું.