અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસથી ડોક્ટર ના હોવાથી આજુબાજુના ગામના લોકોની સારવાર અટકી પડી છે. આ કારણે સ્થાનિકોએ હોસ્પિટલમાં પહોંચીને વિરોધ દર્શાવ્યો છે. જો તાત્કાલિક હોસ્પિટલમાં ડોક્ટર નહિ મુકાય તો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગતિશીલ ગુજરાતની વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે ડોક્ટર વિનાનું સરકારી દવાખાનું હોવાનું સાંભળીને ચોંકી ઉઠાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ડોક્ટર વિનાનું સરકારી દવાખાનું બનાસકાંઠામાં રાજસ્થાન ગુજરાત સરહદ પર રાજસ્થાન બોર્ડરને અડીને ધાનેરા તાલુકાનું નેનાવા ગામ આવેલ છે. નેનાવા ગામમાં લાખોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ આ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસથી ડોક્ટરે રાજીનામું આપી દેતા આ સરકારી હોસ્પિટલ ત્રણ પટાવાળાની મદદથી ચાલે છે. અહીં ફાર્માસિસ્ટ પણ રજા પર હોવાથી ડોક્ટર વિના આ દવાખાનું સમયસર ખુલે તો છે, પરંતુ દર્દીઓની યોગ્ય સારવાર ન થતાં દર્દીઓ વીલા મોઢે જ પરત ફરે છે.


અહી આવતા દર્દીઓ વ્યથા ઠાલવતા કહે છે કે, હું અહી દવા લેવા આવ્યો છું પણ અહીં ડોક્ટર હાજર નથી મારે શું કરવું. હું અહીં ઈલાજ કરાવવા આવી હતી પણ અહીં ડોક્ટર તો રહેતા જ નથી તો સરકારી દવાખાનનો મતલબ શુ.


નેનાવા ગામના લોકો દ્વારા છેલ્લા 40 દિવસથી આરોગ્ય ખાતાથી લઈને જિલ્લા વિકાસ અધિકારી સુધી અનેક રજૂઆતો કરી છે. પરંતુ હજી સુધી ડોક્ટર મૂકવામાં ના આવતા દર્દીઓ ધરમના ધકકા ખાઇ રહ્યાં છે. આ ગામ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ હોવાથી નેનાવાના દર્દીઓને રાજસ્થાનના સાંચોર અથવા 30 કિમી દૂર ધાનેરાના સારવાર માટે જવું પડે છે. જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા છે. નેનાવાના ગામ લોકોની માંગ છે કે, તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ડોક્ટર મૂકવામાં આવે જો ડોક્ટર મૂકવામાં નહિ આવે તો ગામ લોકો સરકારી દવાખાને જ તાળાબંધી કરી દેશે.


નેનવા ગામના ઉપસરપંચ નરસિંહ ચૌધરી જણાવે છે કે, અમારા ગામમાં 40 દિવસથી ડોક્ટર નથી. અમે અનેક રજૂઆતો કરી પણ કઈ થતું નથી જો જલ્દી ડોકટર અમે નર્સનો સ્ટાફ નહિ મુકાય તો અમે દવાખાનાને તાળાબંધી કરીશું. અમારે દવાખાનામાં ડોક્ટર ન હૉવાથી લોકોને સારવાર માટે દૂર-દૂર જવું પડે છે જલ્દી ડોક્ટર મુકાય તેવી અમારી માંગ છે.


બનાસકાંઠાનું નેનાવા ગામ એ ગુજરાતમાં આવેલ છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે, સરકારી દવાખાનામાં ડોક્ટરના અભાવે નેનાવા ગામના દર્દીઓને સારવાર માટે રાજસ્થાન જવું પડે છે. જેને લઈને લોકોમાં ભારે રોષ છે. જોકે હવે જોવાનું એ રહ્યું છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર મૂકાય છે કે ગામલોકો દવાખાનાને તાળાબંધી કરે છે.