ભાજપને ઉપદેશ આપતા કોંગ્રેસના નેતાઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં ખુદ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના આગેવાનો પણ કેટલાક સમય સુધી માસ્ક વિના દેખાયા હતા
જય પટેલ, વલસાડ: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો આજે વલસાડ જિલ્લાના પ્રવાસે હતા. જ્યાં વલસાડ જિલ્લાના અરનાલામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠકમાં કોંગ્રેસના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એ વખતે કપરાડા બેઠકની પેટા ચૂંટણી પહેલાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
જેથી કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમ પહેલા કોંગી અગ્રણીઓએ શિવજી મંદિર માં પૂજા અર્ચના અને આરતી કરી હતી. કાર્યક્રમમાં ખુદ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના આગેવાનો પણ કેટલાક સમય સુધી માસ્ક વિના દેખાયા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોની ભીડ એકઠી થઇ હોવાથી કોંગી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ભાન ભૂલ્યા હતા. મહત્વપૂર્ણ છે કે સ્કૂલો બંધ છે છતાં કપરાડા તાલુકાના સુખાલા ગામની શાળાની બાળાઓને પણ કાર્યક્રમમાં સ્વાગત ગીત ગાવા બોલાવાઈ હતી. આમ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે ભાજપને ઉપદેશ દેતા કોંગી અગ્રણીઓની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
સોશિયલ ડિસ્ટનસિંગ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમે પ્રાઇવેટ પરિમાઇસીસમાં અમારા કાર્યક્રમો કરીએ છીએ. અમારા માત્ર આમંત્રિત કાર્યકરો જ આવતા હોય છે. અમે માસ્કનું ધ્યાન રાખીએ છીએ. અમે જાહેર રેલીઓ કાઢી જાહેર જનતામાં સંક્રમણ ફેલાવવાનું કામ કરતા નથી. દેશમાં દરરોજ એક લાખ કોરોના ના દર્દીઓ સામે આવી રહયા છે એ તમામ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.