વિજય રૂપાણી મંત્રીમંડળ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ
વિધાનસભાના નિયમ 106 અંતર્ગત અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી, ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં અત્યાર સુધી કુલ 28 વખત અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળ સામે સૌ પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલશ પરમારે દ્વારા આ દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. જમીન માપણી, પાણી, સિંચાઈ, ખેડૂત, ફીનું ધોરણ નક્કી કરવા સહિતના તમામ મોરચે કામગીરીમાં મંત્રીમંડળ નિષ્ફળ ગયું હોવાને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. હવે જો અધ્યક્ષ ઓર્ડર કરશે તો બે દિવસમાં તેને ગૃહમાં રજુ કરવામાં આવશે. વિધાનસભાના નિયમ 106 અંતર્ગત આ દરખાસ્ત દાખલ કરાઈ છે.
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધી કુલ ૨૮ વખત મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે. આ ૨૯મી અવિશ્વાસની દરખાસ્ત છે. આ અંગે વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલષ પરમારે જણાવ્યું કે, રાજયમાં છેલ્લા ૨૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ કરી રહી છે અને છેલ્લા નવ માસથી ચાલતી આ સરકારને ગુજરાતની પ્રજાએ માત્ર ૯૯ બેઠકો આપી એ બાબત સરકાર પર પ્રજાને વિશ્વાસ નથી તે દર્શાવે છે.
આ સરકારનું મંત્રીમંડળ તમામ મોરચે નિષ્ફળ રહ્યું છે. પછી તે ખેડૂતોની જમીન માપણીનો મુદ્દો હોય, દેવા માફીનો મુદ્દો હોય, સિંચાઇના પાણીનો મુદ્દો હોય કે ખેડૂતોના અન્ય મુદ્દા હોય સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. અત્યારે ખેડૂત સમાજ આ સરકાર પ્રત્યે રોષે ભરાયેલો છે.
રાજ્યમાં છે બે વર્ષથી શાળાઓની ફીનું ધોરણ નક્કી કરવા માટે સમિતી બનાવવામાં આવી છે, પરંતુ આ સમિતિએ હજુ સુધી એક પણ નિર્ણય લીધો નથી. ખાનગી શાળાઓ બેફામ ફી ઉઘરાવી રહી છે અને વાલીઓને પોતાનાં બાળકોને ભણાવવા માટે વધારે ફી ભરવી પડે છે. મગફળીના કાંડમાં સરકાર યોગ્ય તપાસ કરતી નથી અને અલગ અલગ એજન્સી પર દોષનો ટોપલો ઢોળી રહી છે.
આજે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને સરકાર તેમને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને નાગરીકો અસલામતી અનુભવી રહ્યા છે. આ સરકાર ગરીબોને ઘરનુ ઘર આપી શકી નથી. શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાના નિયમ પ્રમાણે કોઇ પણ ધારાસભ્ય અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી શકતો હોઈ મેં આ દરખાસ્ત દાખલ કરી છે. બે દિવસમાં મળનારા ગૃહમાં ત્રણ બેઠક મળનારી હોઈ આ દરખાસ્ત લાવવામાં આવી છે. વિધાનસભાના નિયમોના નિયમ પ્રણામે ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ સાત દિવસમાં અવિશ્વાસની દરખાસ્ત ચર્ચામાં લાવી શકાય અને જ્યારે દરખાસ્ત ચર્ચામાં આવે ત્યારે ફલોર પર 17 સભ્યોનું સમર્થન હોવું જોઇએ.
કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રૂપાણી સરકાર વિરુદ્ધ દાખલ કરી અવિશ્વાસની દરખાસ્ત
નિયમ 106 અંતગર્ત દરખાસ્ત દાખલ થયાના બે દિવસમાં ચર્ચા થઇ શકે છે. ભૂતકાળમાં 1982માં મકરંદ દેસાઇએ કાંગ્રેસ સરકારના મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત 28 ડિસેમ્બર 1982ના રોજ દાખલ કરી હતી અને તેની ચર્ચા 30 ડિસેમ્બરના રોજ થઇ હતી. સુરેશ મહેતા દ્વારા 4 સપ્ટેમ્બર 1991ના રોજ ચીમનભાઇ પટેલની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ હતી, જેની ચર્ચા 5 સપ્ટેમ્બર 1991ના રોજ થઇ હતી.
અમરસિંહ ચૌધરીએ કેશુભાઇ પટેલની સરકારના મંત્રીમંડળ સામે 30 ઓક્ટોબર 2000ના રોજ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી તેની ચર્ચા તેજ દિવસે હાથ ધરાઇ હતી. એટલે જો આ સરકાર ઇચ્છે અને સરકાર પારદર્શી હોય તથા સૌના સાથ સાથે ચાલતી હોય તો બે દિવસના ટુંકા સત્રમાં પણ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવી જોઇએ
શૈલેષ પરમારે ઉમેર્યુ કે ભુતકાળની સ્થિતિ જોતાં આ સરકાર કોઇ પણ ભોગે અમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રયાસ કરશે પણ કાંગ્રેસના ધારાસભ્યો પ્રજાના પ્રતિનિધિ તરીકે ગૃહમાં હાજરી આપી પ્રશ્નોત્તરી અને વિધેયકની ચર્ચામાં ભાગ લેશે. જો અવિશ્વાસની દરખાસ્ત ચર્ચામાં આવે તો તેની પર પણ ચર્ચા કરશે. કાંગ્રેસના ધારાસભ્યોની પ્રાથમિકતા ગૃહમાં સસ્પેન્ડ ન થવાની રહેશે.
વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત મળી છે. જો અધ્યક્ષ ઓર્ડર કરશે તો આગામી 2 દિવસમાં તેને ગૃહમાં રજૂ કરવામાં આવશે.