કમલમ બહાર ફેંકી દેવાયા ભાજપના ખેસ, રોષે ભરાયેલી વિચરતી જાતિએ કહ્યું-ભાજપે અમને ખેસ ઉતારવા મજબૂર કર્યાં
Gandhinagar News : વિચરતી જાતિના કેટલાક આગેવાનોએ કમલમ પહોંચીને ભાજપના ખેસ ઉતારી દીધા, 2017માં સરકારે આપેલા વચન પૂરા ન કરતાં આગેવાનોનો ભાજપ છોડવાનો નિર્ણય, STની જગ્યાએ OBCમાં સામેલ કરવા સામે આગેવાનોનો વિરોધ
ગૌરવ પટેલ/અમદાવાદ :હાલ ગાંધીનગર વિવિધ આંદોલનોનું ગઢ બન્યું છે. વિવિધ માંગણીઓ સાથે ગુજરાતના અનેક નાગરિકો તથા સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. ત્યારે આજે આ વિરોધ પ્રદર્શન વચ્ચે એક અજીબ ઘટના બની હતી. એક તરફ જ્યાં ભાજપ દ્વારા ખેસ પહેરાવીને લોકોને આવકારવામાં આવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ, વિચરતી જાતિના લોકોએ પોતાની માંગણીઓ પૂરી ન થતા વિરોધમા ભાજપના ખેસ ઉતારીને ફેંક્યો હતો. તમામે દુખી હ્રદયે રડતા રડતા ખેસ ઉતાર્યા. આ જાતિના લોકેએ કહ્યું કે, વર્ષ 2017 માં વચન આપ્યું હતું એ પૂરું ના કર્યું. ભાજપે અમને ખેસ ઉતારવા મજબુર કર્યા.
હાઇવે પર જાહેર રસ્તા પર ભાજપના ખેસ ઉતાર્યા
ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિ લાંબા સમયથી સરકાર સામે માંગણીઓ કરી રહી છે. સમાજના પડતર પ્રશ્નોની માંગ પૂરી ન થતાં સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ કારણે જ્ઞાતિના લોકોએ આજે ભાજપના કાર્યાલય કમલમ તરફ કૂચ કરી હતી. વિચરતી વિમુક્ત જાતિના લોકોને કમલમ જતા પોલીસે અટકાવ્યા હતા. તેઓ કમલમ પહોંચે તે પહેલાં પોલીસે ઘેરી લીધા હતા. જેથી વિચરતી જાતીના લોકોએ હાઇવે પર જાહેર રસ્તા પર ભાજપના ખેસ ઉતાર્યા હતા. સમાજના પડતર પ્રશ્નોની માંગ પુરી ન થતાં સમાજના લોકોમાં રોષ છે, જેથી ખેસ ઉતારી વિરોધ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો : મોતની લિફ્ટ : અમદાવાદ બાદ હવે સુરતની ઈમારતમાં લિફ્ટ તૂટી, 14મા માળથી પટકતા 2 શ્રમિકોના મોત
ભાજપે અમને ખેસ ઉતારવા મજબૂર કર્યા
સમાજના આગેવાનોએ કમલમ પહોંચીને ભાજપનો ખેસ ઉતાર્યો હતો. એટલુ જ નહિ, પોતાના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભાજપ છોડવા નિર્ણય કર્યો. આ અંગે અખિલ ભારતીય આદિ મહાસંધના પ્રમુખ રૂપસંઘ ભાઈએ કહ્યું કે, આ સરકારે અમને અમારી અધિકાર ન આપ્યા. વર્ષ 2017 માં વચન આપ્યું હતું એ પૂરું ના કર્યું. તેથી દુખી હૃદયે રડતા રડતા ખેસ ઉતાર્યા. ભાજપે અમને ખેસ ઉતારવા મજબૂર કર્યા. તેથી અમારે રોડ પર ખેસનો ઢગલો કરવો પડ્યો. જ્યા સુધી અધિકાર નહી મળે ત્યાં સુધી ખેસ ધારણ કરીશું નહિ.
આ જ્ઞાતિને અન્ય રાજ્યોમાં એસસી અને એસટીનો લાભ મળ્યો
જાતિના આગેવાનોએ કહ્યું કે, 40 જ્ઞાતિનો વિચરતી જાતિમાં સમાવેશ છે. આ જ્ઞાતિને અન્ય રાજ્યોમાં એસસી અને એસટીનો લાભ મળ્યો છે. પરંતું ગુજરાતમાં ઓબાસીમાં રાખવામાં આવ્યા છે. ઓબીસી અનામતમાં પણ અલગ અનામત ન આપી. એક ટકો પણ લાભ ન મળતાં ખેસ ઉતાર્યા છે. અમે જિલ્લા સ્તરે સંમેલન કરી ભાજપના ખેસ ઉતારીશું. જરૂર પડે વોટનો બહિષ્કાર કરીશું.