Junagadh News : મહાશિવરાત્રિના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે, ત્યારે મહાદેવના ધામ ભવનાથમાં લોકોની લાગણી દુભાય તેવી ઘટના બની છે. શિવરાત્રિ પહેલા એક વીડિયો વાયરલ થયો છે. ભવનાથ તળેટીમાં નોનવેજ બની રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. નોનવેજ બનાવવામાં આવતું હોવાના વીડિયોથી શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કેટલાક શખ્સો દ્વારા માંસાહાર રાંધવામાં આવતો હોય તેવો આ વીડિયો છે. થોડા સમય પૂર્વે જ ભવનાથને વેજ-ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. આ મુદ્દે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. કેટલાક સાધુઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને કસૂરવારો સામે કાર્યવાહીની માગણી પણ ઉઠાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઇરલ વીડિયોમાં શું છે?


  • પુરુષ - મટન જ છે આ…

  • મહિલા - મટન નથી  

  • પુરુષ - મટન જ છે. પોલીસને બોલાવો, ફોન કરો

  • મહિલા - તે બાપુ મૂકી ગ્યા છે... શું પોલીસને....જુઓ ઓેલા બાપુ… 

  • પુરુષ - પોલીસ ચોકીએ ફોન કર ને બીજું કાંઈ રહેવા દે

  • અન્ય પુરુષ - કોનું છે? પોલીસ ચોકીએ ફોન કરો અહીં મટન બને છે.  આ લોકો જ છે, ફોન કર ને (વચ્ચે કોઈ પુરુષો બોલે છે) 

  • મહિલા - અમારું નથી, તમને મોઢે કરાવી દઉં. ઊભા રહો.  

  • મહિલા - આ ઓલા બાપુ તપેલું મૂકી ગ્યાતા એને બોલાવી આવ તો...  


ભવનાથમા નોન વેજ બનાવવામાં આવતું હોવાનો વીડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો છે. શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ વિશે મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું કે, આવા લોકો સામે કડક પગલા લેવા જોઈએ. જે કોઈએ આવા કૃત્ય કર્યા હોય તેને શોધી કાઢવા જોઈએ. આવા કૃત્ય ફરી ન બને તેનું ધ્યાન રખાઈ જેથી લાખો ભાવિકોને ઠેસ ન પહોંચે. આમ, નોન વેજ બનાવવામાં આવતો હોવાનો વાયરલ વીડિયો હાલ સમગ્ર જુનાગઢ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 


ભવનાથ સજ્જડ બંધ
શિવરાત્રી મેળા પૂર્વે જુનાગઢની ભવનાથ તળેટી બંધ કરવામાં આવી છે. તળેટીના તમામ વેપારીઓએ તંત્રના નિર્ણય સામે ધંધા રોજગાર રાખ્યા બંધ રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ભવનાથ એ ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતું હોવાથી ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે. હાઇકોર્ટના કડક વલણથી તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. આમ, શિવરાત્રી મેળા પૂર્વે જ ભવનાથ વેપારી અને તંત્ર આમને સામને આવ્યા છે. પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી કરાવવામાં આવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો તંત્ર દ્વારા વેપારીઓને જણાવાયું કે, ઈકો સિન્સેટીવ ઝોનમાં હોવાથી અમલવારી થશે જ. તો વેપારીઓ કહે છે કે, આ અમલવારી શક્ય જ નથી. તંત્ર દ્વારા ગઈકાલે ભવનાથના વેપારીઓને નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આજે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના વિરોધમાં ભવનાથ સજ્જડ બંધ છે.