ભરૂચઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ઓવરબ્રિજ પાસે ભયંકર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે ટ્રકની વચ્ચે કારનો ભુક્કો થઈ ગયો હતો. કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા હતા. હચમચાવી દેતા આ અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટે ત્રણ ક્રેન અને એક ટેમ્પાની મદદ લેવામાં આવી હતી. પોલીસે કારને પોસ્ટમોર્ટમ રૂમ પાસે ખસેડી હતી. ત્યારબાદ કટરથી કારના પતરા કાપીને બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક આજે બપોરના સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચાલકની માત્ર આંગળીઓ જોવા મળી રહી હતી. અમદાવાદથી સુરત જઈ રહેલી કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર બે ટ્રકની વચ્ચે આવી જતા કાર રમકડું બની ગઈ હતી. કારના તમામ સ્પેરપાર્ટ્સ નિકળીને રોડ પર આવી ગયા હતા. આગળ ચાલી રહેલા ટ્રકને જોઈને કાર ચાલકે બ્રેક લગાવી હતી. આ સમયે પાછળથી આવી રહેલા બીજા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેથી બે ટ્રક વચ્ચે કાર સેન્ટવીચ બની ગઈ હતી. 



મહામહેનતે મૃતદેહ બહાર કઢાયા
બે ટ્રક વચ્ચે કાર આવી જતા કારનું પડીકું વળી ગયું હતું. આ દુર્ઘટના સમયે કારની અંદર સવાર એક વ્યક્તિનો હાથ દેખાઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણ ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવવામાં આવી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ગેસ કટરથી કારના પતરા તોડીને બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. 



આ અકસ્માત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે કાર રમકડાની હોય તેમ લાગી રહ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અકસ્માતમાં ભોગ બનેલા બંને વ્યક્તિઓ અમદાવાદમાં નોકરી કરતા હતા અને કામ અર્થે સુરત જતા હતા તેવી માહિતી સામે આવી છે. હાલ તો પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube