ગુજરાતમાં અહી સ્થપાશે દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ, 1 લાખ લોકોને રોજગારી મળશે
semiconductor Plant In Dholera : દિગ્ગજ માઈનિંગ કંપની વેદાંતાએ ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ કર્યાં હતા.... જેના માટે સરકારે જમીનની ફાળવણી કરી છે
semiconductor Plant In Dholera : ગુજરાતમાં સેમિ કંડક્ટર પ્લાન્ટની સ્થાપનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે સેમિ કંડક્ટર પ્લાન્ટ માટે આખરે જમીનની ફાળવણી કરી છે. ગુજરાત સરકારે ધોલેરા પાસે દેશના પ્રથમ સેમિ કંડક્ટર પ્લાન્ટ માટે જમીન ફાળવી છે. કેન્દ્ર સરકાર સેમિ કંડક્ટર પ્લાન પાસ કરવાના આખરી તબક્કામાં છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સેમિ કંડક્ટર પ્લાન્ટની કામગીરી શરૂ થશે. ગુજરાત સરકાર અને સેમિ કંડક્ટર બનાવનાર કંપની સાથે થોડા સમય પહેલા કરાર થયા હતા. જેના બાદ જમીન અંગે વિચારણા ચાલી હતી, જે અંગે આખરે નિર્ણય લેવાઈ ગયો છે.
તાજેતરમાં કર્યા હતા 1.60 લાખ કરોડના એમઓયુ
વેદાંતા ગ્રૂપ ગુજરાતમાં 1.60 લાખ કરોડનું રોકાણ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં MoU કર્યાં હતા. વેદાંતા ગ્રૂપ હવે ગુજરાતમાં મોબાઇલ ફોન અને અન્ય ચીજોની ડિસ્પ્લે માટે સેમી કંડક્ટર ચીપ બનાવશે. આ માટે વેદાંતા ગ્રૂપના અધ્યક્ષ અનિલ અગ્રવાલે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને આજે ગુજરાતમા તેના કરાર થયા હતા.
છેલ્લા કેટલાક સમયથી ચીનની અછતથી ઓટો અને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝને મોટી અસર પડી છે. ત્યારે જલ્દી આ સ્થિતિ બદલાઈ જશે, ભારત આ મામલે હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યુઁ છે. દિગ્ગજ માઈનિંગ કંપની વેદાંતાએ ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ કર્યાં હતા. ચીપ બનાવવા માટે વેદાંતાએ તાઈવાનની દિગ્ગજ કંપની ફોક્સકોનની સાથે 2 હજાર કરોડ ડોલરનું જોઈન્ટ વેન્ચર શરૂ કર્યું છે, જે અંતર્ગત પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવામા આવશે.
સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીઝમાં તેજી
ભારતનું સેમીકંડક્ટર માર્કેટ વર્ષ 2026 સુધી 6300 કરોડ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. વર્ષ 2020 માં તે અંદાજે 1500 કરોડ ડોલરનું હતું. હાલ મોટાભાગના દેશો ચીપના સપ્લાય માટે તાઈવાન જેવા કેટલાક દેશો પર નિર્ભર છે. જોકે, ગુજરાતમા થયેલા કરારથી સ્થિતિ બદલાઈ જશે. ભારત આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં વેદાંતા ગ્રૂપે ચીપ બનાવવાનો વિચાર કર્યો હતો અને ફોક્સકોન સાથે કરાર કર્યા હતા.
1 લાખ રોજગારી ઉભી થશે
આ કરાર બાદ વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે, બે દિવસથી લંડનમાં હલચલ છે કે આટલું મોટું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. તેનાથી સીધી 1 લાખ રોજગારી ઊભી થશે. સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબના ઉત્પાદનનું હબ તાઈવાન છે. હાલ તાઈવાન અને ભારત અત્યારે ચીન સામે લડી રહ્યા છે. આ વચ્ચે પહેલીવાર સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબ ભારત અને એ પણ ગુજરાતમાં બનશે. અત્યારે માત્ર 3 કંપનીઓ આ ઉત્પાદન કરે છે, જેમાંની એક અહીં આવી છે. અમને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સરકાર તરફથી પણ આમંત્રણ હતું. અમારી સ્વતંત્ર ટીમે સમગ્ર પ્રક્રિયા માટે તપાસ કરી અને ત્યારબાદ ગુજરાતની પસંદગી થઈ છે. 96% ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો આપણે આયાત કરીએ છીએ.