સરકારી પૈસે લહેર : 17 પૂર્વ ધારાસભ્યોનો સરકારી આવાસમાં અડિંગો, આખરે નોટિસ મોકલવી પડી
Government Of gujarat : નેતાઓનો પદ ગયા પછી પણ બંગલાઓનો મોહ છૂટતો નથી, આવામાં ગુજરાત સરકારના 17 પૂર્વ ધારાસભ્યો એવા છે જેઓ સરકારી આવાસ ખાલી કરી રહ્યાં નથી, અને તેમને નોટિસ મોકલવામાં આવી છે
Gujarat MLA Bunglow હિતલ પારેખ/ગાંધીનગર : રાજકારણ એવુ પાસું છે જેનો મોહ નેતાઓને છૂટતા છૂટતો નથી. તેમાં પણ પદ પરથી હટી ગયા બાદ આવાસ ખાલી કરવા ય કોઈ તૈયાર થતુ નથી. આવામાં મંત્રીઓ બાદ હવે ધારાસભ્યોનો બંગલાનો મોહ છૂટતો નથી. તાજેતરમાં જ આપણે જોયુ હતું કે, રૂપાણી સરકારના 16 મંત્રીઓને પદ તો ગયું પણ સરકારી બંગલાનો મોહ છૂટતો નથી. પરંતુ ધારાસભ્યો પણ ઓછા નથી. પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. સદસ્ય નિવાસમાં અનેક પૂર્વ ધારાસભ્ય આવાસ ખાલી કરી નથી રહ્યાં. જેને કારણે ચાલુ ધારાસભ્યો મકાન વિહાણો બન્યા છે. બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ કારણે પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ છે.
ત્યારે ઝી 24 કલાક પાસે આ ધારાસભ્યોનું લિસ્ટ આવી ગયું છે. આ ધારાસભ્યો હવે પૂર્વ બની ગયા છે, છતાં તેઓ સરકારી આવાસ ખાલી કરવા ગલ્લાતલ્લા કરી રહ્યાં છે. આ પૂર્વ ધારાસભ્યો એમએલએ ક્વોટર્સમાંથી મકાન ખાલી કરી નથી રહ્યાં. હાલ પુરુષોત્તમ સોલંકી મંત્રી તરીકે છે. જોકે એમએલએ ક્વાટર્સ તેમના નામે ફરવાયું છે, છતાં તેઓ ધારાસભ્ય આવાસ ખાલી કરતા નથી.
આ ધારાસભ્યો મકાન ખાલી નથી કરી રહ્યાં
1. બાબુ વાજા, માંગરોળ
2. સુમન ચૌહાણ, કાલોલ
3. સંતોકબેન આરેથીયા, રાપર
4. સુરેશ પટેલ, માણસા
5. દુષ્યંત પટેલ, ભરૂચ
6. વિક્રમ માંડમ, ખંભાળીયા
7. જગદીશ પટેલ, અમરાઇવાડી
8. ગ્યાસુદીન શેખ દરિયાપુર
9. કૌશિક પટેલ,નારાણપુરા
10. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
11. રાઘવજી મકવાણા, મહુવા
12. કાળુભાઇ ડાભી, કપડવંજ
13. કાંતિભાઈ સોઢા,આણંદ
14. અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
15. અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
16. હર્ષદ રિબડીયા, વિસાવદર
17. પરસોતમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય
તાજેતરમાં જ આપણે જોયુ હતું કે, રૂપાણી સરકાર ઘરભેગી થયે દોઢ વર્ષનો સમય થયો છતાં પણ ભાજપના 16 નેતાઓને સરકારના ખર્ચે જલસાબંધ રહેવાનો મોહ હજુ છૂટ્યો નથી. જેને પગલે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના 7 મંત્રીઓેએ પણ ફરી બંગલાની માગણી કરી છે. રૂપાણી સરકાર એકાએક ઘરભેગી થઈ જતાં મંત્રીઓએ એ સમયે તો બંગલા ખાલી કર્યા નહોતા પણ હવે તો ફરી નવી સરકાર બની ગઈ છે અને નવી સરકારના 4 મંત્રીઓ સરકીટ હાઉસમાં રહી રહ્યાં છે. જેઓ ઉત્તરાયણ બાદ નવા ઘરમાં રહેવા જાય તેવી સંભાવના છે. નવી સરકારનું મંત્રી મંડળ નાનું હોવાથી જૂના પૂર્વ જોગીઓ બંગલાઓ ખાલી કરવાના મૂડમાં નથી. ગુજરાતમાં સરકાર બદલાતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે. પરંતુ, રૂપાણી સરકારના ૧૬ જેટલા પૂર્વ મંત્રીઓએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી.