Ahmedabad Civil Hospital Big Decision અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે તબીબો ફરજ દરમિયાન ગુલ્લી નહીં મારી શકે. તંત્રએ આવા તબીબો પર નજર રાખવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. તબીબોની હાજરી પર હવે બાજ નજર રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોના દર્દીઓ માટે સારવારનું એક મોટું કેન્દ્ર એટલે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ. દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓને ઘણી વાર તબીબોની ગેરહાજરીના અભાવે ધક્કા ખાવા પડે છે, તેનું કારણ છે કેટલાક ગુલ્લીબાજ તબીબો, જે ફરજના કલાકો દરમિયાન હાજર રહેતા નથી, ખાસ કરીને કેટલાક સિનિયર તબીબો બપોર બાદ ગુલ્લી મારતા હતા. આ અંગેની ફરિયાદો ઉઠતા સિવિલનું તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્રએ સિવિલના જે તે વિભાગનાં વડાઓેને એક પરિપત્ર કર્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર પરના તબીબો અને કર્મચારીઓ સવારે 9થી સાંજે 5 સુધી ફરજ પર હાજર રહે તેના પર નજર રાખવા જણાવાયું છે. 


સામાન્ય રીતે સિવિલમાં ફરજ બજાવતા તબીબોએ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેવાનું હોય છે, જો કે એવી ફરિયાદો ઉઠતી હતી કે સવારથી બપોર સુધી ચાલતી ઓપીડીમાં સિનિયર ડોક્ટરો જ હાજર રહે છે. બપોર પછી સિનિયર ડોક્ટરો પણ હાજર રહેતા નથી અને કોન્ટ્રાક્ટર પરના તબીબો પણ સપ્તાહમાં બે વખત આવે છે, અને પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલતી હોવાથી ઓપીડીમાં માત્ર 3 કલાક આવીને જતાં રહે છે. હોસ્પિટલના તંત્રએ આ ફરિયાદોને ધ્યાનમાં લીધી છે અને કોન્ટ્રાક્ટ પરના તબીબોને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


કેટલાક ડોકટરો ત્રણથી ચાર કલાક ડ્યુટી કરીને ગેરહાજર રહેતા હોવાનું માલૂમ પડતાં સિવિલ સુપ્રિંટેન્ડન્ટ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ડોક્ટરોએ ફરજિયાત ડ્યુટી પર હાજર રહેવું પડશે. ડ્યુટી પૂર્ણ કર્યા વગર ખાનગી પ્રેક્ટિસ કરવા જતાં તબીબો પર નજર રખાશે. ક્લિનિક વિભાગના વડાઓને તમામ પર નજર રાખવા આદેશ કરાયો છે. કાયમી તેમજ કરાર આધારિત ડોકટરો ફરજના સમયે હાજર રહે એ ઉદ્દેશથી પરિપત્ર કરી તમામને તાકીદ કરાઈ છે. ફરજના સમયે કોઈ તબીબ હાજર નાં રહે તો તેની જવાબદારી જે તે વિભાગીય વડાની રહેશે. કોન્ટ્રાક્ટ બેઝ પર રહેલા ડોકટરો શરતોને આધીન ડ્યુટી પૂર્ણ કરીને ખાનગી પ્રેક્ટિસ કરી શકતા હોય છે પરંતુ આવા કેટલાક ડોકટરો પણ ડ્યૂટીના સમયે ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું હતું. તબીબોની ગેરહાજરીને કારણે અનેક કિસ્સાઓમાં દર્દીઓને રઝળવું પડતું હતું. જે તે વિભાગીય વડા ગેરહાજર હોય તો તેમણે પણ પોતાનો ચાર્જ અન્યને સોંપવા પણ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. સરકારી હોસ્પિટલમાં કામ કરવાની સાથે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોકટરો પર કડકાઈનો તંત્રનો પ્રયાસ છે. 


હવે જોવું એ રહેશે કે પરિપત્રની તબીબોની હાજરી પર અસર જોવા મળે છે કે કેમ...કેમ કે પરિપત્ર જાહેર કર્યા બાદ તેનું પાલન કરાવવું પણ એટલું જ મહત્વનું છે.