રક્ષિત પંડ્યા/ રાજકોટઃ અત્યાર સુધી પિચકારી, પતંગ, ટોપી, ચશ્મા, કીચેન, મોબાઈલ સ્ટેન્ડ અને સાડી સહિતની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભાજપ અને મોદી છવાયેલા હતા. હવે, લોકસભા ચૂંટણી પહેલા સોના ચાંદીની જવેલરીમાં પણ વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે. રાજકોટના સોની બજારમાં આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપના કમળની 3000થી વધુ રિંગ(વીંટી) બનાવવામાં આવી છે, જેને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત 12 થી વધુ રાજ્યોમાં મોકલવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદીના ઘરેણાં બનાવવા માટે રાજકોટ પહેલેથી જ પ્રખ્યાત છે. બૉલીવુડના સ્ટારથી માંડી મોટા ઉદ્યોગપતિ અને નામાંકિત લોકોએ રાજકોટમાં સોના-ચાંદીના ઘરેણાં તૈયાર કરાવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોના-ચાંદીની જવેલરીમાં છવાયા છે. રાજકોટના સોની વેપારીએ સોના અને ચાંદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપના લોગો કમળવાળી 3000 થી વધુ વીંટી તૈયાર કરી છે.  


રાજકોટના વેપારીએ તૈયાર કરેલી આ વીંટી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત દેશના 12થી વધુ રાજ્યોમાં મોકલવામાં આવી છે અને હવે તેની માગમાં વધારો થયો છે. વેપારીએ ચાંદીમાં 4 થી 6 ગ્રામ અને સોનામાં 2 થી 8 ગ્રામ સુધીની વીંટી બનાવી છે. રાજકોટના વેપારીએ કુલ 6 પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તે પૈકી 3 ડિઝાઇન લોકોએ વધુ પસંદ કરી હતી અને આ 3 ડિઝાઇન આજે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લોકો ખરીદી રહ્યા છે.


શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ


સ્કેચથી માંડીને ડિઝાઇન અને ઘડામણ સુધીની કાર્યવાહી રાજકોટમાં જ કરવામાં આવી છે.  એક વીંટી તૈયાર કરવામાં 48 કલાક જેટલો સમય લાગે છે. સોનાની વીંટી રૂ. 16 થી 25 હજાર અને ચાંદીની વીંટી રૂ. 1000 થી 1500 રૂપિયા સુધીની કિંમતમાં મળી રહી છે. આ વીંટીમાં ઉપયોગમાં લેવામાં આવેલા સ્ટોન સર્વોસ્કીના છે જે દુનિયાનામાં સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે. 


ભાજપ નથી ઈચ્છતું કે હું ખેડૂતો-યુવાનોની વાત કરું: હાર્દિક પટેલ


ઉલ્લેખનિય છે કે, આ અગાઉ થોડા દિવસ પહેલા રાજકોટના જ એક યુવા સોની વેપારીએ સોના-ચાંદી પર વડાપ્રધાનની યોજના અને તેમના ફોટાના પોટ્રેટ બનાવ્યા હતા. જેને આર્ટ ગેલેરીમાં લોકો માટે આકર્ષણ પૂરું પાડ્યું હતું અને હવે રાજકોટના વેપારીએ બનાવેલી વીંટી બજારમાં ધૂમ મચાવી રહી છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....