હિતલ પરીખ/ગાંધીનગર : આજે રાજ્યભરના એસટી વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા તેની સૌથી મોટી અસર મુસાફરો પર પડી છે. ત્યારે હવે શિક્ષકો પણ એસટી કર્મચારીના રાહે પોતાની માંગણીઓ પૂરી કરવા નીકળ્યા છે. 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આવતીકાલે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર જવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જાડેજા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, અમારી મુખ્ય માંગણી 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા બાબતની છે. આ શિક્ષકો પણ આવશ્યક સેવામાં ગણાય છે. સરકારે અગાઉ આ શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું, પરંતુ આ અંગેનો કોઈ ઉકેલ હજી આવ્યો નથી. આવતીકાલે વિવિધ શહેરોના 25 હજારથી વધુ શિક્ષકો ચાણક્ય ભવનથી વિધાનસભાનો ઘેરાવ કરશે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 11 તારીખે તમામ જિલ્લામાં આ અંગે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ 15 અને 16 તારીખે રાજ્યકક્ષાએ બે દિવસ ધરણા કરાયા હતા. રાજ્યના સવા બે લાખ શિક્ષકોએ કાળી પટ્ટી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.