મૌલિક ધામેચા/અમદાવાદઃ શહેરની વટવા પોલીસ દ્વારા જીવીત વ્યક્તિના મરણ પ્રમાણપત્રના આધારે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રની ગેંગ આવા મૃત્યુ પ્રમાણપત્ર ઉપર ચાલુ સિમકાર્ડ ખરીદી લઈને તેના ઉપર ઓટીપી મેળવીને નેટબેન્કિંગથી છેતરપીંડી આચરતી હતી. આ રીતે આ ગંગે રૂ.5.70 લાખની છેતરપીંડી કરી હતી. પોલીસે મહારાષ્ટ્રની ગેંગના 3 આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની વટવા પોલીસે ઓનલાઇન નેટબેન્કિંગ દ્વારા કૌભાંડની એક નવી મોડ્સ ઓપરેન્ડી શોધી કાઢી છે. મહારાષ્ટ્રના આઈટી નિષ્ણાત યુવકો અભિષેક ઉર્ફે વિશાલ, હબીબ ઉર્ફે અક્રમ ચૌધરી અને દિવાકર રાય મૃત્યુ પ્રમાણપત્રના આધારે ચાલુ સિમકાર્ડ ખરીદતા હતા અને ત્યાર બાદ નેટબેન્કિંગ દ્વારા છેતરપીંડી આચરતા હતા. આ ઠગ ટોળકીએ ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન બેન્કિંગ કરીને છેતરપીંડી આચરતા હોવાનું ખુલ્યું છે.


પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગે વટવાની એક કંપનીના બેન્કિંગ માટે રજિસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબરનું સીમકાર્ડ જાતે ખરીદી લીધું હતું. આરોપીએ રાજકોટમાં આઈડિયા કંપનીમાં આ સિમકાર્ડના મલિકનો દીકરો બનીને મરણનો દાખલો રજૂ કરીને પોતે આ કાર્ડ ખરીદી લીધું હતું. ત્યાર આ કંપનીના નબરથી ઓનલાઇન બેન્કિંગ કરીને લાખો રૂપિયા ટ્રાન્સફર કરીને છેતરપીંડી આચરી હતી. 


વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. ગોહિલે જણાવ્યું કે, "વટવાની કંપનીના મેનેજર કૌશિકભાઈનો મોબાઈલ નંબર બંધ થઈ જતાં ઠગાઈનો પર્દાફાશ થયો હતો. મહારાષ્ટ્રની આ ત્રિપુટીને અલગ અલગ કામ વહેંચી દેવાતું હતું. જેમાં દિવાકર રાય બેંકના ડેટા મેળવીને સીમ કાર્ડની ખરીદી કરતો હતો. અભિષેક ઉર્ફે વિશાલે આંધ્રપ્રદેશની જુદી જુદી બેંકમાં જુદા જુદા નામ ધારણ કરીને 9 બેન્ક એકાઉન્ટ ખોલીને રાખ્યા હતા. હબીબ ઓનલાઇન નેટબેન્કિંગ કરીને રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરતો હતો. આ પ્રકારે આરોપીઓએ અનેક લોકો સાથે ઓનલાઇન છેતરપીંડી આચરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે."


પીઆઈ ડી.આર. ગોહિલે વધુમાં જણાવ્યું કે, " જીવિત વ્યક્તિનો મરણનો દાખલો રજૂ કરીને સિમકાર્ડ મેળવી લેવાની મોડ્સ ઓપરેન્ડીથી મોબાઈલ કાર્ડ અને નેટબેન્કિંગની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. ઓનલાઈન બેન્કિંગ સુરક્ષિત રાખવા મોબાઈલ કાર્ડની કંપનીએ સાવચેત રહેવાની જરૂર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ છેતરપીંડીના તાર મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ હજુ પણ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ગેંગ અગાઉ નાસિકમાં પણ ઝડપાઇ હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કિસ્સાથી નેટ બેન્કિંગ અને સીમકાર્ડના ઓટીપીની સુરક્ષા ખરેખર રામ ભરોસે છે તેવું પોલીસ માની રહી છે."