પીએમ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનુ સાકાર કરશે સુરતીઓ, હવે જીઓફેબ્રિકનુ ઉત્પાદન શરૂ કર્યું
વિશ્વ વિખ્યાત સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ માત્ર સાડીઓ કે ડ્રેસ મટીરીયલ માટે જ કાપડનું ઉત્પાદન નથી કરતો. પરંતુ ડિફેન્સ સેક્ટરની સાથે સાથે હાઇવેના રોડ બનાવવા માટે પણ કાપડનું ઉત્પાદન કરે છે
ચેતન પટેલ/સુરત :ટેક્સટાઈલ હબ ગણાતું સુરત દેશને આત્મનિર્ભર બનાવવા માટે અને સેક્ટરમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. ત્યારે સુરતીઓ માટે વધુ એક ગર્વ લેવા જેવી બાબત એ પણ છે કે, હાઈવેના નિર્માણ માટે વપરાતું જીઓફેબ્રિક કાપડનું ઉત્પાદન હવે સુરતમાં પણ કરવામાં આવી રહ્યું છે.
વિશ્વ વિખ્યાત સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ માત્ર સાડીઓ કે ડ્રેસ મટીરીયલ માટે જ કાપડનું ઉત્પાદન નથી કરતો. પરંતુ ડિફેન્સ સેક્ટરની સાથે સાથે હાઇવેના રોડ બનાવવા માટે પણ કાપડનું ઉત્પાદન કરે છે. સુરતમાં પણ હવે હાઇવે પરના રોડ બનાવવા માટે જરૂરી એવા જીઓફેબ્રિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
શું છે જીઓફેબ્રિક
- આ જીઓફેબ્રિક એ કાપડ છે કે જે રોડ બનાવવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ જીઓફેબ્રિક વોટરજેક પર બને છે. અંકલેશ્વર સિવાય સુરતમાં પણ નાના પાયે વેપારીઓ બનાવે છે.
- હાઈવે ઉપર ચોવીસ કલાક મોટા વાહનો પસાર થતા હોય છે. ભારે વાહન વ્યવહાર હોવાને કારણે હાઈવે રોડની મજબૂતી જરૂરી છે અને આ કાપડનું કોન્ક્રીટ સાથેનું લેયર રસ્તાને તાકાત પૂરું પડવાનું કાર્ય કરે છે. જેથી વરસાદના સમયે પાણીને કારણે રોડ પર ખાડો ન પડે.
આ વિશે ટેક્સટાઇલ કમિટી મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ચેરમેન અને ફિયાસ્વી ઓલ ઇન્ડિયા ચેરમેન ભરત ગાંધીએ કહ્યું કે, રોજ 600 -700 કિલોમીટર હાઈવે ભારતમાં બને છે. હાઇવે, સબ હાઈવે, સ્ટેટ હાઇવેમાં જીઓફેબ્રિક વાપરવામાં આવે છે. જ્યારે સિમેન્ટ કોક્રિટના રોડ બનાવે તે પહેલાં જીઓફેબ્રિકનું લેયર બનાવવામાં આવે છે. જેનાથી વરસાદના પાણીને લીધે ખાડો ન પડે. જો કે હજી પણ ભારતમા જીઓફેબ્રિક 60% બહારથી આવે છે. માત્ર 40 % જ ઉત્પાદન ભારતમાં થાય છે. તેઓએ વધુમાં કહ્યું કે આ જીઓફેબ્રિક હાઈવેની મજબૂતી બનાવી રાખે છે. વરસાદનું પાણી નીચેના લેયરમાં ન પહોંચે એટલા માટે તે રેઈનકોટ જેવું કાર્ય કરે છે.