હવે પાટણ યુનિવર્સિટીમાંથી મળી દારૂની ખાલી બોટલો, ગુજરાતમાં ફરી શિક્ષણ કેન્દ્ર પર ઉઠ્યા સવાલ
ગુજરાત અને એમએસ યુનિવર્સિટી બાદ ફરી એક યુનિવર્સિટી વિવાદમાં આવી છે. હવે પાટણ યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ અંગે રજીસ્ટ્રારે કહ્યું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
પ્રેમલ ત્રિવેદી, પાટણઃ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળવાની ઘટના બાદ ગુજરાતની વધુ એક યુનિવર્સિટી વિવાદમાં આવી છે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા તપાસ કરવામાં આવતા કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. દારૂની બોટલ મળતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે. શિક્ષણના ધામમાં દારૂની બોટલો મળી આવતા યુનિવર્સિટી તંત્ર પર સવાલો ઉભા થયા છે.
પાટણ યુનિવર્સિટીમાં મળી દારૂની બોટલ
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન nsui દ્વારા તપાસ કરવામાં આવી જેમાં યુનિના કેમ્પસમાંથી દારૂની વિવિધ બ્રાન્ડની ઢગલાબંધ ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે શિક્ષણ ધામમાં આ પ્રકારનું દુષણ પ્રવેશ કરે તે શિક્ષણ જગત માટે લાંનછન રૂપ ગણી શકાય. ત્યારે આ મામલે પાટણ કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે પ્રખર જૈન મુનિ હેમચંદ્રચાર્યાજી નામ પરથી યુનિવર્સિટીનું નામકરણ કર્યું હોય અને તે યુનિમાંથી ગાંધીજયંતીના દિવસે આજે દારૂની ખાલી બોટલો મળી આવે તે લાંનછન રૂપ કહેવાય.
આ પણ વાંચોઃ નવરાત્રિ પહેલા હાર્ટ એટેકે જન્માવી ચિંતા, ખોડલધામના આયોજન સ્થળે હશે મેડિકલની સુવિધા
શું બોલ્યા રજીસ્ટ્રાર
યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ મળવા અંગે જ્યારે રજીસ્ટ્રારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, યુનિવર્સિટી એક શિક્ષણનું ધામ છે. આ ઘટનાની જાણ સિક્યોરિટી ગાર્ડ અને એજન્સીને કરી છે. સ્થળ તપાસ કરાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે કહ્યું કે આ મામલે કોઈ ષડયંત્રને પણ નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે ખાલી બોટલ બહારથી આવી કે અંદરથી તે તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે સમગ્ર તપાસ કર્યા બાદ કોઈ દોષિત હશે તો કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube