ગુજરાતમાં હવે વરસાદની શક્યતા કેટલી? કેવું રહેશે તાપમાન, જાણો હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં તાપમાન શુષ્ક રહેવાનું છે. તો આગામી પાંચ દિવસમાં વરસાદની પણ કોઈ શક્યતા નથી.
અમદાવાદઃ રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસમાં પણ ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ તાપમાન કેવું રહેશે તેની મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં તાપમાન શુષ્ક રહેશે. તેમણે કહ્યું કે વરસાદની કોઈ શક્યતા ગુજરાતમાં નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે ત્રણેક દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં માછીમારોને હવે કોઈ ચેતવણી નથી. રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આગામી 24 કલાકમાં તાપમાન ઘટી શકે છે. કચ્છના નલિયાનું તાપમાન 10 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત
તો અમદાવાદનું લધુત્તમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ છે. આગામી ત્રણ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં ઘટાડો થાય તેની કોઈ શક્યતા નથી. અમદાવાદ સહિત ગુજરાતમાં સામાન્ય તાપમાન જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે હજુ રાજ્યમાં એટલી ઠંડીની શરૂઆત થઈ નથી. અમદાવાદમાં 18 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. જ્યારે અન્ય વર્ષની સરખામણી કરવામાં આવે તો તાપમાન 14 ડિગ્રી આસપાસ હોવું જોઈએ. એટલે કે હજુ અમદાવાદમાં તાપમાન વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube