લાખોની લૂંટ ચલાવી અંધારામાં પાડી રહ્યા હતા ભાગલા, પોલીસે કરી 5 લાખની રિકવરી
નરોડા વિસ્તારમાં આવી અંધારામાં પૈસાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. ત્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી પલાયન થઇ ગયો હતો.
મૌલિક ધામેચા, અમદાવાદ: દિવાળી આવે તે પહેલાં જ તસ્કરોએ લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ વસ્ત્રાપુરમાં રસ્તો પૂછવાના બહાને યુવાનને માર મારી લૂંટી લેવાના બનાવ બાદ ઓઢવમાંથી 5 લાખ ભરેલી બેગ છીનવી બે લૂંટારુઓ ફરાર થયાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા ટિમો બનાવી તપાસ શરૂ કરી હતી.
જોકે લુટારુંઓ નરોડા વિસ્તારમાં આવી અંધારામાં પૈસાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. ત્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી પલાયન થઇ ગયો હતો. જોકે, અન્ય એક આરોપીને પોલીસે પુરેપુરા મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જોકે વધુ તપાસ માટે આરોપીને ઓઢવ પોલીસને સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓઢવ વિસ્તારના બિલેશ્વર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા રાકેશ તિવારી સાંજના સમયે આંગડિયા પેઢીમાંથી 5 લાખ લઇ ટુવ્હીલર પર જઇ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર પાસે બાઈક પર આવેલા બે શકશોએ રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.
આ બનાવ દરમિયાન નરોડા પોલીસની ટીમ પેટ્રલિંગમાં હતી તે સમયે દેવનંદન સંકલ્પ સિટી ટીપી રોડની બાજુમાં અંધારામાં બે શખ્સો કંઇક કરી રહ્યાં હતા. જેથી પોલીસને શંકા જતા ત્યાં પહોંચી ત્યારે બન્ને શખ્સ ભાગવા જતા પોલીસે દોડી એકને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા આરોપીઓએ સાંજે જ ઓઢવમાં પાંચ લાખની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી.
આ મામલે પોલીસે ઉત્કર્ષ ડાંગીને ઝડપી લઇ ઓઢવ પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમીક પૂછપરછ દરમ્યાન આરોપી ઉત્કર્ષનું કહેવું છે કે ઓઢવમાં લૂંટ કર્યા બાદ પૈસા વેચવા અંધારામાં ભેગા થયા હતા. પરંતુ ત્યારે જ પોલીસ આવી ગઇ અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ એક વેપારીની દિવાળી બગાડનાર લૂંટારું ટોળકીના સાગરીત ને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube