કિંજલ મિશ્રા/ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ભલે 26 સીટ હોય, પરંતુ દેશના રાજકારણમાં ગુજરાતનું એક અલગ મહત્વ છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારે કોંગ્રેસ અને ભાજપે ગુજરાત લોકસભાની બેઠકો પર અત્યારથી કમર કસી છે. આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. તો બીજી તરફ ભાજપ લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુરે કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમ માથુર દિવસ દરમિયાન કોર કમિટીના સભ્યો, પ્રદેશ હોદ્દેદારો, મોરચા તથા સેલના પ્રમુખ, જિલ્લા પ્રભારીઓ તેમજ પેજ પ્રમુખ સાથે બેઠક યોજશે. સાથે જ લોકસભાની ચુંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે.
 આ બેઠકોમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવનાર છે. મહત્વનું એ છે કે, ભાજપ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં રાજ્ય તેમજ કેન્દ્રીય કક્ષામાં કેટલાક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી આ કાર્યક્રમને ગુજરાતમાં યોગ્ય રૂપરેખા આપવામાં આવી નથી, તેથી તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.


ભાજપ દ્વારા કેટલાક પ્રોગ્રામ માત્ર ટિક માર્કની જેમ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એક છે ખાટલા બેઠક. ભાજપે રાજ્યભરમાં ખાટલા બેઠક યોજી હતી. જોકે આ બેઠકો ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂર્ણ એનો અંદાજ તેમના કાર્યકર્તાઓને પણ નથી. જેથી ખાટલા બેઠક ફરી યોજવા અંગે પણ કાર્યક્રમ ઘડવા સૂચના આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સૌરાષ્ટ્રમાં ભાજપની બેઠકો હાલ ચિંતાજનક છે, ત્યારે આ બેઠકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે એ માટે રણનીતિ બનાવવા અંગે પણ ચર્ચા થઈ છે.


ભાજપ દ્વારા સોશિયલ મીડિયા તેમજ જમીની સ્તર પર કાર્યકર્તાઓને વધુ સક્રિય થવા સૂચન કર્યું છે. ગ્રાઉન્ડ સ્તરે પણ કાર્યકર્તાઓનો સંપર્ક કરવામાં આવે તેવું પણ સૂચન કરાયું છે. મહત્વનું એ છે કે, ઓમ માથુર ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલા છે. અગાઉ પણ તેઓ ગુજરાત પ્રભારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. યુપી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રભારીની પણ જવાબદારી પણ તેમના માથે હતી. ગુજરાતની રાજનીતિક, સામાજિક પરિસ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની સાથે સાથે ભાજપની અંદર ચાલતા આંતરિક કલહ અને કોલ્ડ વૉરથી પણ તેઓ વાકેફ છે. તેમજ ગુજરાત ભાજપ માટેના મજબૂત એન્ડ નબળા પાસાંઓને પણ બખૂબી જાણે છે. ત્યારે ભાજપને ફરી જીત માટે તેઓએ કવાયત શરૂ કરી દીધી છે.