ગાંધીનગરઃ રાજ્યમાં આજકાલ નકલી વસ્તુઓનો વ્યાજ વધી રહ્યો છે. અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ વસ્તુ વેચવાના કૌભાંડ વારેવારે સામે આવતા રહે છે. હવે જે બ્રાન્ડ પર લોકો સૌથી વધુ વિશ્વાસ કરે છે તેવા અમુલનું ડુપ્લીકેટ ઘી પડકાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાસકાંઠા જિલ્લામાં આ ઘી ઝડપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં 4 ડિસેમ્બરે એક દરોડા દરમિયાન ઉત્પાદક પેઢી  મે. જલારામ એન્ટરપ્રાઇઝ, ૩૪,૩૫ કે.બી. લોજીસ્ટીક્સ પાર્ક ખાતે કુલ ૨ નમુનાઓ તથા આશરે ૮૯ કીલોગ્રામ અમુલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કીલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પેઢીનાં માલીક પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર એ તેઓ ફૂડ લાયસન્સ વગર જ સદર પેઢી ચલાવી રહ્યા હોવાનું પણ કબુલ્યુ હતું. 


આ સાથે જ સ્થળ પર ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ તથા ઘીનાં ડબ્બામાં તેનો ઉપયોગ થતો હોવાનું જણાયેલ. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ માહિતી આપી છે.


કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. 


આ પણ વાંચોઃ '70 હજાર આપો અને લઈ જાઓ ડિગ્રી', સુરતમાં નકલી તબીબોની આખી ગેંગ ઝડપાઈ


ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર ને મળેલ ખાનગી બાતમી ના આધારે  તા: ૦૪-૧૨-૨૦૨૪ નાં રોજ મે. જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે કરેલ રેડ દરમિયાન ફૂડ બીઝનેસ ઓપરેટર  પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર ફૂડ લાયસન્સ વગર જ ઘી નાં ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી રહેલ. 


આ સાથે જ વધુમાં એ પણ જાણવા મળેલ છે કે સદર વ્યક્તી વિરૂધ્ધ અગાઉ પણ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી તથા એડ્જ્યુડીકેટીંગ કોર્ટમાં ૧ લાખ ૨૫ હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ. સદર પેઢીમાં તપાસ દરમિયાન સ્થળ પર જ પેઢીનાં માલીક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો નો વપરાશ થતો હોવાનું માલુમ પડ્યું તથા આ સાથે જ વધુ તપાસ હાથ ધરતા જણાયું કે પેઢીમાં અમુલ બ્રાન્ડનાં ડુપ્લીકેટ ઘી નું ઉત્પાદન તથા પેકીંગ થઇ રહેલ છે. 


આથી અમુલ પ્યોર ઘી ૧૫ કીલોગ્રામ પેક તથા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ (લૂઝ) આમ કુલ ૦૨ નમુનાઓ લઇ કુલ ૧૪૨ કીલોગ્રામ જથ્થો કે જેની કિંમત કુલ ૭૪,૬૪૦ રૂ. થવા જઇ રહેલ છે તે સીઝ કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ  ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.


આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.