ગુજરાતનો દરિયો ડ્રગ્સ ડીલર્સ માટે ખુલ્લો, ફરી એકવાર 350 કરોડનું ડ્રગ્સ પકડાયું
Drugs In Gujarat : ગુજરાતમાં ડ્રગ્સની લ્હાણી થઈ રહી છે તેવુ કહેવુ જરાય અતિશયોક્તિ નથી, એક તરફ ગુજરાત સરકાર 1600 કિમી દરિયાનું ગર્વ લે છે, બીજી તરફ એ જ દરિયો ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે, ગુજરાતનો દરિયો ડ્રગ્સને કારણે બદનામ થઈ રહ્યો છે
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો જાણે ડ્રગ્સના વેપાર માટે ખુલ્લો મૂકાયો હોય તેમ ડ્રગ્સ ડીલર્સને માફક આવી ગયો છે. હવે ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડાવું સામાન્ય બની ગયું છે. એક-બે કરોડ નહિ, પકડાય ત્યારે સીધું બસ્સો-ત્રણસો કરોડનું જ ડ્રગ્સ પકડાયુ છે. ત્યારે કચ્છના દરિયાઈ સીમામાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં 350 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે.
કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું 50 કિલો ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ હતું. જેમાં બોટમાંથી 50 કિલો ડ્રગ્સ સાથે 6 ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટને ઝડપી લીધો છે. વધુ તપાસ માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી રહી છે. તેના બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ હતું અને કોણે મંગાવ્યું હતું તે દિશામા તપાસ કરાશે.
તો 350 કરોડના ડ્રગ્સ પકડાવા મુદ્દે ગુજરાત ATSની કામગીરીના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વખાણ કર્યાં .ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાત ATSની ટીમે ફરી એકવાર પાકિસ્તાનના ડ્રગ માફિયાઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફેંક્યું છે.ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ, પાકિસ્તાનથી ગુજરાતમાં લાવવામાં આવતા ₹ 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન ભારતીય સરહદોમાં પ્રવેશતા પહેલા જપ્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર ટીમને અભિનંદન.
ગુજરાતમાં હવે સ્થિતિ એવી બની છે કે, દારૂ અને ડ્રગ્સ માંગો એટલું મળે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ પીવાય અને વેચાય છે. ત્યારે ગુજરાતનું તંત્ર જેમ દારૂને ડામવા નિષ્ફળ નીવડ્યું છે. તેમ ડ્રગ્સની બદીને દૂર કરવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાતમાં દર ચોથા દિવસે ડ્રગ્સ પકડાય છે. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સના વેપાર માટે ખુલ્લો છોડી દેવાયો હોય તેમ અહીં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.