કેવડિયાઃ સ્થાનિક 150થી વધુ યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માંગણી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ બનાવવા માટે સ્થાનિક 6 ગામના લોકોએ જમીન અને મકાન સહિતનો ભોગ આપેલો છે. ત્યારે સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગણી સાથે 150થી વધુ સ્થાનિક યુવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશીને પ્રવાસીઓને યુનિટી પરિસર છોડીને જતા રહેવા જણાવ્યું હતું. યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવાની ફરજ પડી હતી. છેવટે પ્રાંત અધિકારીએ મધ્યસ્થી કરીને સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે તંત્ર સાથે પરામર્શ કરીને સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

150થી વધુ યુવાનો પરિસરમાં પ્રવેશ્યા 
કેવડિયા ખાતે નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટમાં નોકરી આપવા માટે સ્થાનિક આદિવાસીઓની અવગણના કરવામાં આવી રહી છે. ત્યારે આજે 150 કરતા વધુ આદિવાસી યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આ યુવાનોએ નોકરીની માંગ સાથે વિરોધ કર્યો હતો. તેમણે સૂત્રોચ્ચા પણ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલો શાંત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. 


આદિવાસીના સ્થાનિક આગેવાન નરેશ તડવીએ કહ્યું કે, અમારા 6 ગામના લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર ખાનગી એજન્સીને કામ આપે છે અને તે બહારથી માણસો લાવે છે, જે અયોગ્ય છે. તેમણે ચીમકી ઉચ્ચારી કે, જો સ્થાનિકોને રોજગારી નહીં આવો, વળતર નહીં આપો, જમીન નહીં આપો તો અમે કોઈપણ પ્રવાસીઓને અંદર પ્રવેશ કરવા દઈશું નથી. 


તો આ અંગે પ્રાંત અધિકારીએ કહ્યું કે, 6 ગામના લોકોમાં જે બેરોજગારી છે, તેમની યાદી મંગાવવામાં આવી છે. જેમાં 3 ગામની યાદી આવી ગઈ છે અને બાકીના જે ગામો છે તેમનું લિસ્ટ તૈયાર છે. આ માટે એક બેઠક યોજીને તમામનો સમાવેશ કરવામાં આવશે.