સુરતમાં પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં એકની હત્યા, 10 સેકન્ડમાં માર્યા દસ ચપ્પુના ઘા
સુરતમાં ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે. લોકોની હત્યા કરવી તો સામાન્ય વાત હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાયો છે.
Surat News: લોકોની માનસિકતા કેટલી હદે ક્રુર થઈ ચુકી છે તેના એક બાદ એક બનાવો સામે આવી રહ્યાં છે અને આવી જ વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી કે જ્યાં પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવી ચુક્યા છે. ત્યારે શું હતી પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે થયેલી હત્યાની આ ઘટના જોઈએ આ રિપોર્ટમાં..
સુરતમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને ચપ્પુના ધડાધડ 10 ઘા ઝીંકી હત્યા નિપજાવતાં ચકચાર મચી છે.તો હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈરીતે આરોપી માત્ર 10 સેકન્ડમાં જ વેપારીને ચપ્પુના 10 ઘા મારી રહ્યો છે. ઘટના બનતાની સાથે જ લોકોએ હિંમત કરી આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આરોપી સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ 'માત્ર 5 રૂપિયામાં ભોજન', રાજ્યમાં 100 નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે
ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો મૃતક સુભાષ ખટિક, મૂળ રાજસ્થાનના અને ડિંડોલીમાં રહેતા હતા. સુરતના સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સ દુકાન હતી. તેમના ભાઇ રાકેશની ઉધનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન છે. સોમવારે સાંજે સુભાષભાઇની દુકાને આવ્યા ત્યારે રસ્તા વચ્ચે બાઇક પડેલી જોવા મળી હતી.સુભાષે બાઇક હટાવવા માટે નીરજ ગંગાસાગરને વિનંતી કરી, પરંતુ નીરજે બાઇક હટાવવાની ના પાડી અને વિવાદ થયો. સુભાષે થોડીવારમાં બાઇક પાર્ક કરીને પરત આવીને ફરી વિવાદ કર્યો, એના પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુથી સુભાષની છાતીમાં 10 જ સેકન્ડમાં ઉપરાછાપરી 10 ઘા મારી દીધા.આકસ્મિક હુમલાના કારણે સુભાષ ગંભીર રીતે લોહીલુહાણ થઈ જમીન પર ફસડાઈ પડ્યો.જેને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.
આરોપીએ જાહેરમાં હત્યાને અંજામ આપ્યા બાદ નીરજ ત્યાંથી ફરાર થાય એ પહેલાં જ સ્થાનિક લોકોએ આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે દબોચી લઈ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નીરજ અગરબત્તી વેચવાનો ધંધો કરતો અને તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના 8 કેસ નોંધાયેલા છે.જો કે હત્યા ચોરી અને લૂંટફાટની વધતી ઘટનાઓને પગલે પોલીસની કામગિરી પર લોકોએ રોષ પ્રગટ કર્યો છે..