સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો દિવાળી વેકેશનનો ફાયદો, એક મહિનામાં 6 કરોડની આવક થઈ
આંકડા પર નજર કરીએ, તો એક મહિનામા કુલ 2.5 લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. જેને કારણે આ સ્ટેચ્યુની દેખરેખ કરતા સરદાર વલ્લભભાઈ એક્તા ટ્રસ્ટને કરોડોની આવક થઈ છે. તો એક મહિના બાદ સ્ટેચ્યુના આવકજાવક સરવૈયા પર કરીએ એક નજર.
જયેશ દોશી/નર્મદા : 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતી પર અનાવરણ થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ ફલક પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ દિવસે જ્યારથી સ્ટેચ્યુનું લોકાર્પણ કરાયું છે, ત્યારથી આ ટુરિસ્ટ પ્લેસ પર મુસાફરોનો અવિરત પ્રવાહ રહ્યો છે. તેમાં પણ લોકાર્પણ બાદ સીધું જ દિવાળી વેકેશન આવી જતા અહી જોનારાઓની લાંબી લાઈનોના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દિવાળી હોવાને કારણે સીધો ફાયદો એ થયો કે, વેકેશનમા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ જોવા આવ્યા હતા. જેના આંકડા પર નજર કરીએ, તો એક મહિનામા કુલ 2.5 લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. જેને કારણે આ સ્ટેચ્યુની દેખરેખ કરતા સરદાર વલ્લભભાઈ એક્તા ટ્રસ્ટને કરોડોની આવક થઈ છે. તો એક મહિના બાદ સ્ટેચ્યુના આવકજાવક સરવૈયા પર કરીએ એક નજર.
- એક મહિનામાં કુલ પ્રવાસીઓ - 2,55,879
પ્રતિ દિન અંદાજે 8529 પ્રવાસીઓ
- એક મહિનાની કુલ આવક - 6,21,30,309 રૂપિયા
પ્રતિ દિન અંદાજિત આવક 20,71,010 રૂપિયા
- સ્ટેચ્યુની રોજનો મેઈનટેઈનન્સનો ખર્ચ - 12 લાખ રૂપિયા
એટલે એમ કહી શકાય કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જ મહિનામા 2 લાખ જેટલા પ્રવાસીઓએ નિહાળ્યું છે. જેને કારણે ટ્રસ્ટને 6 કરોડની ઉપર આવક પહોંચી ગઈ છે. હજી પણ વિન્ટર સીઝનમાં પ્રવાસીઓની ભીડ વધે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બરના રોજ એક જ દિવસમાં 20 હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જે પછી ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં 5000 લોકો જઇ શકે છે. માટે જ સરકારે પ્રવાસીઓની સંખ્યા નક્કી કરી છે. આ તો એક દિવસમાં 30 જેટલા પ્રવાસીઓ પણ નોંધાયા છે. તેની બીજી સીધી અસર એ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે તેની આસપાસના પ્રવાસન સ્થળોએ પણ મોટી સંખ્યામાં મુસાફરો પહોંચ્યા હતા.
12 લાખ રોજનો ખર્ચ
એક તરફ જ્યાં સ્ટેચ્યુની પહેલા જ મહિને રેકોર્ડબ્રેક આવક થઈ છે, ત્યાં બીજી તરફ સ્ટેચ્યુ પર થતા ખર્ચા પર પણ નજર કરવા જેવી છે. સ્ટેચ્યુના મેઈનટેઈનન્સ પાછળ રોજના 12 લાખનો ખર્ચો થાય છે. સ્ટેચ્યુની મેઈનટેઈનન્સની આખી જવાબદારી એલએન્ડટીને સોંપાઈ છે. એલએન્ડટી સાથે 15 વર્ષ માટે 657 કરોડનો કરાર કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં સ્ટેચ્યુ તથા આસપાસની સાફસફાઈ, કર્મચારીઓનો પગાર સામેલ છે. ટ્રસ્ટનુ તમામ સંચાલન સરદાર વલ્લભભાઈ એક્તા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
ટીકિટ 500 નહિ, પણ 380 રૂપિયા છે
સ્ટેચ્યુને નિહાળવાની ટીકિટ 500 રૂપિયા છે તેવું બધે ચર્ચાયું હતું. પરંતુ હકીકતમાં આ બસથી લઈને સ્ટેચ્યુ નિહાળવા સુધીની આખી ટીકિટ માત્ર 380 રૂપિયા છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુને નિહાળવા માટે છેલ્લા દસ દિવસથી એક્સપ્રેસ ટિકીટ શરૂ કરાઈ છે, જેનો દર 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યા કોઈ પણ મુસાફર ડાયરેક્ટ સ્ટેચ્યુની વિઝીટ કરી શકશે. જ્યારે કે, ડેમ પાસે શરૂ કરાયેલ બોટિંગની સુવિધા માટેની ટિકીટના દર 250 રૂપિયા છે.