આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારી
Fake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટયો હોય તેમ દિવસેને દિવસે નકલી અઘિકારી ઝડપાઈ રહ્યાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક નકલી IAS અધિકારીની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મેહુલ પરિમલ શાહની નકલી આઇએએસ અધિકારીના ગુના હેઠળ ધરપકડ કરી છે. મેહુલ પરિમલ શાહ મૂળ મોરબીના વાંકાનેરનો રહેવાસી છે અને પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રતીક શાહ નામના ફરિયાદીએ ફરિયાદી નોંધાવી હતી કે ias મેહુલ શાહે એક કાર ભાડે માંગી હતી અને તેમાં પડદા અને સાયરન લગાડવાનું કહ્યું હતું અને સાથે જ બે ઈનોવા કાર ભાડે લીધી હતી. જેના દોઢ લાખ જેવું ભાડું આપવાનું બાકી છે. કારના વેપારીએ પૈસા માંગતા આરોપી નકલી IAS મેહુલ શાહે તેના બદલામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ડેવલોપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો લેટર આપીને કહ્યું હતું કે પૈસા બાદમાં આપીશું. પણ લાંબા સમય સુધી પૈસા ના આપતા ફરિયાદીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા આ આપેલા લેટર ની તપાસ કરતા લેટર નકલી હોવાનું માલૂમ પડ્યું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ હાથ કરતા નકલી IAS મેહુલ પરિમલ શાહની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી IAS ની ધરપકડ કરી વધારે તપાસ કરી તો સામે આવ્યું હતું કે આ નકલી IAS અઘિકારી મેહુલ પરિમલ શાહે ફરિયાદના પુત્રને સરકારી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર નોકરી આપવાની લાલચ આપીને એક નકલી નિમણૂંક પત્ર પણ અપાવ્યો હતો. જેના બદલામાં 3 લાખ થી વધુ ની રકમ પણ આરોપીએ મેળવી હતી. સાથે અન્ય એક વ્યક્તિને પોતે અસારવા વિશ્વ વિદ્યાલયનો ટ્રસ્ટી છે અને શાળામાં કલર કામના પેટે 7 લાખ ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. આ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અલગ અલગ ત્રણ છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તમામને અપીલ કરી છે કે આ ઠગનું જો કોઈ ભોગ બન્યું હોય તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધે.
નકલી IAS મેહુલ પરિમલ શાહની ધરપકડ બાદ આરોપી પાસેથી અંદાજે 21 જેટલાં ભારત સરકારના ઓળખ પત્ર અને લેટર પેડ મળી આવ્યા હતા
ક્યા ક્યા લેટરપેડ મળી આવ્યા ?
- શાહ મેહુલ પરિમલભાઈ ના નામનુ ભારત સરકારનું આધાર કાર્ડ નંગ-૧
- મેહુલ પી શાહ નામનુ BHARAT GAURAV RATNA SHRI SAMMAN COUNCIL
- APPROVED BY MINISTRY OF CORPORATE AFFAIRS GOVERNMENT OF INDIA નેશનલ મેમ્બરનું ઓળખ પત્ર નંગ-૧
- મેહુલ પી. શાહ નામનુ GOVERNMENT OF INDIA GANDHINAGAR SACHIVALAYA REVENUE DEPARTMENT નુ રાષ્ટ્ર મુદ્રાવાળુ ઓળખપત્ર -૧
- મેહુલ પી. શાહ નામનુ GOVERNMENT OF INDIA CHAIRMAN OF DEPARTMENT OF SCIENCE AND RESEARCH DEVELOPMENT નુ રાષ્ટ્ર મુદ્રાવાળુ ઓળખપત્ર-૧
- Mehul Shah. Chairman, Department of Science And Research Development,
- Government of India ના રાષ્ટ્ર મુદ્દા વાળા વર્ક લેટર
- ગાડીમાં સાયરન લગાડવા માટેનો MINISTRY OF HOME AFFAIRS, Department of Science & Research Development
- આર.એમ.ચૌધરી જીલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરનો વત્સલ ભાંભીને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નિમણુંક આપવાનો લેટર
- (Health & Family Welfare Department Government of Gujarat બ્લોક 1 જીવરાજ મહેતા ભવન, ન્યુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત
- Health & Family Welfare Department Government of Gujarat બ્લોક 1 જીવરાજ મેહતા ભવન, સચિવાલય, ગાંધીનગર,
- ROAD AND BUILDING DEPARTMENT Government of Gujarat બ્લોક 14 બીજો માળ, માર્ગ તથા મકાન વિભાગ નવા સચિવાલય, ગાંધીનગર
- જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેર, બ્લોક-એ, પ્રથમમાળ, બહુમાળી ભવન, સરકારી વસાહત રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ
- MINISTRY OF FINANCE GOVERNMENT OF INDIA, 3rd FLOOR JEEVANDEEP
- BUILDING, SANSAD MARG, NEW DELHI, 110001
- રાજમોતી ઈન્ફ્રાસ્ટકચર પ્રા.લી.ના લેટર પેડ ઉપર પ્રતિશ્રી, આદરણીય મુખ્ય મંત્રી સાહેબશ્રી, ગુજરાત રાજય, નવુ સચિવાલય, સેકટર-૧૦, ગાંધીનગરને ઉદ્દેશી પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્ય મંત્રી યોજનામાં કોન્ટ્રાકટ આપવા અંગેના પત્ર નંગ-૧ છે
- (GINGER હોટલ, આર.ટી.ઓ.સર્કલ, અમદાવાદના મેહુલ પરીમલભાઈ શાહના નામના ટેક્ષ ઈનવોઈસ બીલ નંગ-૦૪
- રાજમુદ્રાના સિમ્બોલ વાળા કોરા પત્ર (લેટરપેડ) નંગ-૨૦ જેમાં ઉપરના ભાગે Mehul P.Shah CHAIRMAN of Department of science And Research Development નું લખાણ લખેલ છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ પાત્રો બાબતે પૂછતા આરોપી એ જણાવ્યું હતું કે આ તમામ લેટરપેડ તેને જાતે મોરબી અને વાંકાનેર ખાતે બનાવડાવ્યા હતા અને પોતે જ ઉપયોગમાં લેતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વાંકાનેર ખાતે જ્યોતિ અને કીડ્સ લેન્ડ નામથી બે શાળા ભાડેથી ચલાવે છે. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ નકલી IAS મેહુલ પરિમલ શાહના જાસામાં કોણ કોણ આવી ચૂક્યું છે અને કેટલા રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો છે.