અજય શીલુ/પોરબંદર : જમીન વિવાદને લઇ છાયા વિસ્તાર રહેતા આધેડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પોલીસે આ મામલે નિવેદન લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છાયામાં રહેતા અને પાનની દુકાન ચલાવનાર ઠેબા સવદાસ નામના આધેડે ઝેરી દવા ગટગટાવતા પોલાીસ દોડતી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝરી દવા પીધાની જાણ થતા જ સારવાર માટે ઠેબા સવદાસને પરિવારજનોએ તત્કાળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ડોકટરે ઠેબા સવદાસને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. મૃતકના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા કે જે મૃતકનો સગો ફોઇનો દિકરો થાય છે તેનુ નામ તેમજ જીવા નાગા ઓડેદરા અને શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયા આ ત્રણેય લોકો તેઓને હેરાન કરે છે જેથી તે આ દવા પીવે છે તેઓ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


આ મામલે મૃતકના મોટા ભાઇએ એવું જણાવ્યું હતું કે, ધરમપુર ખાતે આવેલ જમીન વર્ષો પૂર્વે છેતરપિંડી કરી મારા બાપાની ધ્યાન બહાર પાવરનામા વડે વિક્રમ ઓડેદરાએ વહેંચી નાખી છે તેના કોઈપણ રૂપિયા આપેલ નથી જેથી પૈસા માગતા અમોને ધમકી આપવામાં આવી હતી જેના કારણે મારા ભાઇએ આ પગલું ભર્યું છે.


કથીત સ્યુસાઈડ નોટમાં ધમકી આપવામાં ત્રણ પૈકી જે એક નામ લખેલ છે તેમજ જેઓએ આ જમીન ખરીદી છે તે શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાએ આ આક્ષેપોને ખોટા ગણાવતા હતા. તેમણે જણાવ્યું હતું કે,અમારી પાસે તમામ દસ્તાવેજો છે. તેમજ જેઓની પાસેથી જમીન લીધી છે. તેઓનું કોર્ટમાં સહમતિ પત્ર પણ છે. અમે આ વ્યક્તિને ઓળખતા પણ નથી આમ છતા તેઓ છેલ્લા ઘણા સમયથી અમોને ધમકીઓ આપતા હોય જે અંગે અમોએ પોલીસને પણ જાણ કરી છે અને અમોએ પોલાીસને પણ તમામ દસ્તાવેજો સહિતના ડોક્યુમેન્ટ આપેલ છે.


પોરબંદરમાં જમીન વિવાદ બાદ જે રીતે આધેડે આપઘાત કર્યો છે. તેમાં પોરબંદર જિલ્લાના ભાજપ અગ્રણીઓના નામે આક્ષેપ થયા હોવાથી હાલ તો શહેર ભરમાં આ મામલે ભારે ચર્ચા જગાવી છે. પોલીસ દ્વારા મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.