ગીરગઢડાના ફરેડા ગામ નજીક સિંહણનો મૃતદેહ મળી આવ્યો
રાજ્યમાં સિંહના મોતની ઘટનાને લઈને સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગીરસોમનાથઃ ઊનાના ગિરગઢડાના ફરેડા ગામ નજીક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. પહેલા 23 સિંહોના મોત બાદ 3 બાળ સિંહ અને હવે એક સિંહણનું મોત થયું છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સિંહણના મોતના કારણની તપાસ હાથ ઘરી છે. જોકે હજુ સુધી સિંહણના મોતનું કારણ જાણવા મળ્યું નથી.
22 ઓક્ટોબરે થયા હતા ત્રણ સિંહ બાળના મોત
આ પહેલા 22 ઓક્ટોબરે તુલસીશ્યામ રેન્જના પીપળવા ગાઉન્ડમાં ત્રણ બાળસિંહના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ સિંહ બાળ અંદાજે 4થી 5 મહિનાના જણાયા હતા. તેમના માથાના, પીઠના અને પેટના ભાગે રાક્ષસી દાંતો (કેનાઇન ટીથ)ના ઉંડા નિશાન જોવા મળ્યા હતા.
દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત
ગીરના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં એક બાદ એક 23 સિંહોના મોત થતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. સરકાર અને વનવિભાગની કાર્યવાહી સામે સવાલો ઉભા થયા હતા. આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી હતી.