ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યું
Bharat Adivasi Party : ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આમ દાદરા નગર હવેલીના રાજકારણમાં હવે `બાપ` ની એન્ટ્રી થઈ
Loksabha Election 2024 : અત્યાર સુધી ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જોવા મળી રહ્યો હતો. પરંતું હવે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પાંચમો પક્ષ મેદાનમાં આવ્યો છે. ભારત આદિવાસી પાર્ટીએ દાદરા નગર હવેલી પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ બેઠક પર તુ. ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું છે.
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર પણ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે. આજે પ્રદેશમાં સૌપ્રથમ ફોર્મ ભરાયું હતુ. ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આમ દાદરા નગર હવેલીના રાજકારણમાં હવે "બાપ" ની એન્ટ્રી થઈ છે. આથી ચૂંટણી રસપ્રદ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં છે. તો કોંગ્રેસે આ બેઠક પર અજીત મહાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારોની ચર્ચા હતી. જોકે હવે બાપ પાર્ટી એ પણ દાદરા નગર હવેલીના રાજકારણમાં એન્ટ્રી કરી છે. આથી પ્રદેશનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. આજે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બાપ પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડા એ સ્થાનિક મુદ્દાઓને લઈ લોકો નું સમર્થન માગ્યું હતું
ભારત આદિવાસી પાર્ટી વિશે
ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. આ પાર્ટીએ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો, રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી. BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ કેટલાક આદિવાસી નેતાઓએ એક નવા રાજકીય સંગઠનનો પાયો નાંખ્યો. ગત 2023 માં વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીએ કોંગ્રેસ અને બીજેપીને પડકાર ફેંક્યો હતો. એટલું જ નહીં ચાર બેઠકો પણ જીતી. ભારત આદિવાસી પાર્ટી ગત વર્ષે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી હતી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના હજારો આદિવાસી કાર્યકરો તેમાં સભ્ય છે. BAPના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનલાલ રોતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી.
ગુજરાત લોકસભા ચૂંટણીમાં પાંચમા પક્ષની એન્ટ્રી
ભરૂચ બેઠક લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની હતી, જેમાં ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ તેમાં AIMIM અને છોટુ વસાવાના પક્ષે પણ મેદાનમાં ઝંપલાવ્યુ હતું. પરંતું ભારત આદિવાસી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતની ચૂંટણીમાં પાંચમા પક્ષની એન્ટ્રી થઈ છે.
દમણ દીવમાં લાલુભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું
દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા ઘરથી નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. ત્યાર બાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી હતી. આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, ઉમેદવાર લાલું ભાઈ પટેલ, દમણ દીવ અને દાદર નગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લાલુ પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાલુભાઇ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. આ વખતે સતત ચોથી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ ચોથી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં લાલુ ભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિકાસના કામો અને જન કલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું હતું. ત્યાર બાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું હતું. સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ ચોથી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છો. આથી આ વખતે પણ દમણ દીવ ના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડ થી જીતશે તેવો લાલુભાઇ પટેલ અને ભાજપના અગ્રણીઓ એ દાવો કર્યો હતો.