અલ્કેશ રાવ/બનાસકાંઠા: કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો રોલ હોય તો તે શિક્ષણનો હોય છે, પશ્ચિમના દેશો તેનું ઉત્તમ ઉદાહરણ છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં શિક્ષણ ભારત જેટલું મોંઘુ નથી, નતો ત્યાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું. આવા દેશમાં શિક્ષણની ઉત્તમ સુવિધા લોકોને મળે છે, પણ આપણા દેશ અને ખાસ આપણા ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સાવ ડામાડોળ છે, વિદ્યાર્થીઓ છે તો શાળા નથી, શાળા છે તો ઓરડા નથી, ભૂલકા છે તો ભણાવનારા નથી. આવી જ એક શાળાની હકિકત બનાસકાંઠાથી સામે આવી છે. શું છે આ શાળાની સમસ્યા?


  • ખંડેર શાળા, એક ઓરડો અને 180 વિદ્યાર્થી

  • ખુલ્લા આકાશ નીચે ભણતું ભારતનું ભવિષ્ય

  • ઓરડાની અછતથી બે પાળીમાં ચાલતી શાળા

  • સુવિધાના અભાવે સતત ઘટતી બાળકોની સંખ્યા

  • અહીં ભણે તો કેવી રીતે ભણે ગુજરાત?

  • ભૂલકાના ભણતર માટે તો સુવિધા આપો સરકાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની એક એવી શાળા, જ્યાં છત પર પતરાં નથી, ભૂલકાના ભવિષ્યના ઘડતર માટે જે જોઈએ તે એકપણ સુવિધા નથી...છતાં પણ ભૂલકા ભણી રહ્યા છે પણ ખુલ્લા આકાશ નીચે. કરે તો શું કરે?, કારણ કે સરકાર સાંભળતી નથી, તંત્ર જવાબ આપતું નથી. પ્રાથમિક સુવિધાઓ પણ ઝંખતી આ શાળા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંબેથા પ્રાથમિક શાળા....જિલ્લાના વડુ મથક પાલનપુરથી નજીકના અંતરમાં આવેલી આ શાળામાં આમ તો 6 ઓરડા છે, પણ આ છમાંથી 5 એટલા જર્જરિત અને ખંડેર થઈ ગયા છે કે તેમાં બેસવું એટલે મોતને સામે ચાલીને આમંત્રણ આપવું...તેથી જ વિદ્યાર્થીઓ ખુલ્લા આભ નીચે શિક્ષણ મેળવી કંઈ કરી છૂટવાની ખેવના દર્શાવી રહ્યા છે. 


સરકાર જાતભાતના તાયફા કરે છે, મોટી મોટી યોજનાઓ બનાવે છે, પણ આ યોજનાઓ ગામડા સુધી પહોંચતી જ નથી. સરકાર જાતભાતના કાર્યક્રમોમાં જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ જો જર્જરિત શાળાઓના સમારકામ પાછળ કરે તો બધી જ શાળાઓ નવી થઈ જાય...પણ કરે કોણ?, આંબેથા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી 8ના 180 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઓરડા જર્જરિત થઈ ગયા હોવાથી તેને તાળા મરાયા છે, એક ઓરડામાં 180 વિદ્યાર્થીને સમાઈ ન શકાય તે માટે બે પાળીમાં સ્કૂલ ચલાવી પડી રહી છે. છેલ્લા 3 વર્ષથી આવી સ્થિતિ છે, અનેકવાર રજૂઆતો કરાઈ પણ પરિણામ શૂન્ય જ મળી રહ્યું છે.


તો આવી ખંડેર બની ગયેલી શાળાઓનું સમારકામ ક્યારે કરાશે તેનો જવાબ જ્યારે તંત્ર પાસેથી જાણીએ તો તેમનો એજ જૂન અને જાણિતો જવાબ હોય છે કે, કામ જલદી પૂર્ણ કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું આંબેથા ગામની શાળા પર કહેવું છે કે ઓરડા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, ત્વરિત કામ પૂર્ણ કરવામાં આવશે. વચન અને વાયદા તો તંત્રની ગડથૂથીમાં હોય છે, પણ વચનો પરિપૂર્ણ ક્યારે થાય તે મોટો સવાલ હોય છે. અહીં પણ આવું જ છે, અધિકારીએ જલદી કામ પૂર્ણ કરવાનો વાયદો તો કરી દીધો છે. પણ ખરેખર કામ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.