ચેતન પટેલ/સુરત : સુરતના સરસાણા ચેમ્બર્સ ઓફ કોમર્સના ઓટો એક્સ્પો એક્ઝિબિશનમાં રવિવારે ધોળે દિવસે અને સેંકડો લોકોની હાજરીમાં માત્ર ચાર કલાકમાં 4 મોબાઇલ ફોન ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં એક 12 વર્ષના ટેણિયાને લોકોને પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો. આ બાબતે બેંક-ક્લાર્કની ફરિયાદ નોંધવાને બદલે ખટોદરા પોલીસએ અરજી જ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બારડોલી ખાતે રહેતા જિગ્નેશ ચાંપાનેરિયા રવિવારે બપોરે સરસાણા ખાતે ઓટો એક્સ્પોના એક્ઝિબિશનમાં આવ્યા હતા. તેઓ ગેટ પર રજિસ્ટ્રેશન ફોર્મ ભરતા હતા તે વખતે તેનો 30 હજારની કિંમતનો મોબાઇલ ચોરી થયો હતો. આ ઘટનાની ગણતરીની મિનિટોમાં વધુ ત્રણ મોબાઇલ ઓટો એક્સ્પોમાંથી ચોરી થયા હોવાની વાત સામે આવી હતી. આ ઉપરાંત વધુ એક યુવકનો મોબાઇલ ચોરી કરવા જતાં 12 વર્ષનો ટેણિયો રંગેહાથે પકડાઈ ગયો હતો. જોકે, તેના બે સાગરીતોમાં વિષ્ણુ અને વિશાલ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ચોરાયેલા મોબાઇલ બાબતે જિગ્નેશ અને આનંદ ચેવલીએ પોલીસમાં ફરિયાદ કરી છે, જ્યારે બાકીના બે જણાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.


આખો પરિવાર ચોર છે


પોલીસે જ્યારે પકડાયેલા બાળકના માતાને ફોનથી માહિતિ આપી ત્યારે તેણીએ જે જણાવ્યું તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણીએ પોલીસને જણાવ્યું હતું કે, અમે છારા ગેંગ છીએ અને અમારો આખો પરિવાર ચોરી કરે છે. તમારે જે કરવુ હોય એ કરો. આ સાંભળીને પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી કે ફરિયાદ કરવી કે નહિ.