તેજસ દવે/મહેસાણા: જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે આજે દશેરાના દિવસે માઁ બહુચરને નવલખા કિંમતી હારનો શણગાર કરવામાં આવ્યો છે. વર્ષમાં ફક્ત એક જ દશેરાના દિવસે માઁ બહુચરને અમૂલ્ય ગણાતા નવલખા હારનો શણગાર કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દશેરાના દિવસે માઁ બહુચરને અમૂલ્ય નવલખા હારનો શણગાર કરી માતાજીની પાલખી યાત્રામાં માતાજીને શમી પૂજન અર્થે આજે લઈ જવામાં આવ્યા હતા. વર્ષોથી બહુચરાજી મંદિરે ચાલી આવતી પાલખી યાત્રા અને સમી પૂજનની પરંપરા મુજબ માઁ બહુચરને નવલખા હારના શણગાર સાથે પાલખી યાત્રા યોજી સમી પૂજન કરી દશેરાની પરંપરા નિભાવવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે, નવલખા હારની વિશેષતા એ છે કે આ હાર 177 વર્ષ પહેલા જ્યારે રાજા એ બનાવડાવ્યો હતો ત્યારે એની કિંમત 9 લાખની હતી. જેથી આ હાર નવલખો હાર તરીકે ઓળખાય છે. જોકે હાલના સમયમાં હારની કિંમત આશરે 300 કરોડથી વધુ કિંમત હોવાનું જાણવા મળી રહ્યું છે. 


આ હારમાં 6 અતિ મૂલ્યવાન નીલમ ઝડિત છે, તેમજ 150 કરતા વધુ હીરા જડિત છે. આ હાર અતિમુલ્યવાંન હોવાના કારણે રોજિંદા દિવસોમાં મંદિર ના વહીવટી શાખાની કસ્ટડીમાં મુકવામાં આવે છે, જ્યારે વિજયા દશમી ના દિવસે આ હાર મા બહુચર ને ચડાવી થોડા કલાકો માટે દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવે છે. આ સમય ગાળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.


177 વર્ષ પૂર્વે જ્યારે ગાયકવાડ શાસન અમલમાં હતું. ત્યારે બરોડાના રાજવી માનાજીરાવ ગાયકાવડને પાઠાની પીડા ઉપડી હતી. રાજાએ આ દુઃખ દૂર કરવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ, દુઃખ દુર ના થતા બહુચર માતાજીની માનતા રાખી હતી. રાજાની મનોકામના પૂર્ણ થતા બહુચર માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને જે તે સમયે અતિ મૂલ્યવાન ગણાતો નવલખા હાર બનાવડાવી માતાજીને અર્પણ કર્યો હતો.