સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટીમાં જોડાવવા આપ્યું ખુલ્લું આમંત્રણ
હિંદુ ધર્મ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભાજપના પ્રદેશપ્રમુખ આર પાટીલે વર્ષોથી સંત સમાજની પડતર માંગો પુરી કરવાની ખાતરી આપી હતી. સાથે જ જ્યારે જરૂર પડે ત્યારે હિન્દુ ધર્મ માટે ભાજપ હંમેશા તૈયાર રહેશે તેવી પણ જાહેર મંચ પરથી ખાતરી ઉચ્ચારી હતી.
વાપી: ઔધોગિક નગરી વાપીમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વિરાટ હિન્દુ ધર્મ સંમેલન યોજાયું હતું. આ હિંદુ ધર્મ સંમેલનમાં રાજ્યભરના અગ્રણી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી પણ આ હિંદુ ધર્મ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ સંમેલનની સાથે હિંદુ ધર્મ સેના નામના સંગઠનની રચના કરી સ્વયંસેવકોને દીક્ષા પણ આપવામાં આવી હતી.
હિંદુ ધર્મ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભાજપના પ્રદેશપ્રમુખ આર પાટીલે વર્ષોથી સંત સમાજની પડતર માંગો પુરી કરવાની ખાતરી આપી હતી. સાથે જ જ્યારે જરૂર પડે ત્યારે હિન્દુ ધર્મ માટે ભાજપ હંમેશા તૈયાર રહેશે તેવી પણ જાહેર મંચ પરથી ખાતરી ઉચ્ચારી હતી. વધુમાં સી આર પાટીલે એ પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દેશના અગ્રણી સંતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ હાઉસમાં આમંત્રણ આપશે.
પીએમ હાઉસમાં પ્રથમ વખત નરેન્દ્ર મોદી દેશભરના અગ્રણી સાધુ સંતો સાથે મુલાકાત કરી અને તેમની સાથે ભોજન પણ કરશે. તો મીડિયા સાથેની વાતમાં સંત સમાજે વર્તમાન સમયમાં સંત સમાજ અને હિંદુ ધર્મની અપેક્ષાઓ અંગે વાત કરી હતી. સરકાર સમક્ષ સંત સમાજે માંગ કરી હતી કે સરકાર અધિકૃત અત્યારે જેટલા મંદિરો છે તે તમામ મંદિરોને હિન્દુ સમાજને સોંપી દેવા જોઇએ તેવી માગણી કરી હતી.
સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના શાસનની સરાહના કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. પી એમ મોદીની સરકારની કામગીરી અંગે સંત સમાજએ પ્રતિક્રિયા આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે જેવી રીતે હિંદુ ધર્મ માટે મહારાણા પ્રતાપ અને શિવાજીએ તલવારથી ધર્મ નિભાવ્યો એવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તલવારથી નહીં પરંતુ મત દ્વારા પોતાનો યોગદાન આપી રહ્યા છે. એમ જણાવી હિંદુ ધર્મના લોકોને હિંદુત્વ માટે કામ કરતી ભાજપ સાથે રહેવાની અપીલ પણ કરી હતી. અખિલ ભારતીય સંત સમિતિ ના પ્રમુખ નૌતમ સ્વામી એ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટીમાં સામેલ થવાની પણ અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube