કોણ છે એજન્ટોના ગોડમધર? જાણો કોની મરજી વિના સરકારી બાબુઓ પણ ફોર્મ પર નથી મારતા સિક્કો
Operation Agent: ભ્રષ્ટાચારનો આ ખેલ એક કે બે વર્ષથી ચાલતો હોય એવું નથી. ભ્રષ્ટ અધિકારીઓ માટે જનતાને લૂંટીને બેનંબરની કમાણી ભેગી કરવામાં એક એજન્ટ તો પોતાનું આખું જીવન કચેરીઓની બહાર જ વિતાવ્યું છે.
Operation Agent/રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના તમામ એજન્ટોના ગોડમધર છે અપ્પા, જે અધિકારીઓ માટે કામ કરે છે. જે સરકારી અધિકારીઓને પૈસા આપે છે. દરેક સરકારી બાબુઓ તેમને ઓળખે છે. બેઈમાન બાબુઓ માટે અપ્પા બે નંબરની રેવન્યુ જનરેટ કરે છે. 1962 થી એજન્ટ તરીકે અપ્પા અહીં કામ કરતા આવ્યાં છે. ભ્રષ્ટાચારનો આ ખેલ એક કે બે વર્ષથી ચાલતો હોય એવું નથી. ભ્રષ્ટ અધિકારીઓ માટે જનતાને લૂંટીને બેનંબરની કમાણી ભેગી કરવામાં એક એજન્ટ તો પોતાનું આખું જીવન કચેરીઓની બહાર જ વિતાવ્યું છે. આ એજન્ટ તો આજે પણ કચેરીના પરિસરમાં પોતાનાં ચપ્પલ ઘસે છે પણ ન જાણે કેટલાય ભ્રષ્ટ અધિકારીઓ આ એજન્ટોની મદદથી બેનંબરની કમાણી કરીને પોતાની તિજોરી ભરવામાં સફળ થયા હશે. કોણ છે જનતાને લૂંટવાના આ લાંચ કૌભાંડનાં ગોડમધર... એ વાત પણ અમારી ટીમે ઝી24કલાકના સ્ટીંગ ઓપરેશનમાં ઉજાગર કરી છે.
શહેર: વડોદરા
સ્થળ: નર્મદા ભુવન કચેરી
એજન્ટનું નામ: આપ્પા
વડોદરાની નર્મદા ભુવન કચેરી ખાતે બેઠાં આ વૃદ્ધા એ તમામ એજન્ટોનાં ગોડમધર છે જે અધિકારીઓ માટે કામ કરે છે અને સરકારી કામના પૈસા ભેગા કરીને પોતાના આકાઓને આપે છે. આ વૃદ્ધાનું નામ છે આપ્પા. દરેક સરકારી કચેરીમાં આપ્પાની ઓળખ છે. કચેરીનાં તમામ ગેરકાયદે સરકારી કામ આપ્પા પૈસા લઈને કરી આપે છે. આ ઉંમરે પણ તેઓ ભ્રષ્ટ અધિકારીઓ માટે કામ કરી રહ્યાં છે. કેમ કે, બેઈમાન બાબુઓ માટે આપ્પા બેનંબરની રેવેન્યૂ જનરેટ કરે છે.
એમ કહેવું ખોટું નથી કે નર્મદા ભુવન કચેરીનાં આ વૃદ્ધા આપ્પા અધિકારીઓના એજન્ટ રાજનાં માસ્ટર માઈન્ડ ગોડ મધર છે. કેમ કે, આપ્પા ખુદ પોતાના જ મોઢેથી ખુલાસો કરી રહ્યાં છે કે તેઓ 1962થી એજન્ટ તરીકે કાળી કમાણીનું કામ કરી રહ્યાં છે અને હાલમાં આવેલા તમામ એજન્ટો તેમની સામે નવા નિશાળિયા છે. એટલું જ નહીં આપ્પાનો એ પણ દાવો છે કે તેમણે માત્ર 2 રૂપિયામાં પણ કાર્ડ બનાવ્યું છે.
ZEE 24 કલાકે અનેક સરકારી કચેરીઓમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તમામ સ્ટિંગ ઓપરેશનમાં એક વાત સીધી રીતે આ એજન્ટો જ બતાવી રહ્યા છે કે, જનતાનું કોઈ નાનામાં નાનું કામ પણ આસાનીથી થતું નથી. ભ્રષ્ટ અધિકારીઓને પ્રસાદી ના ધરાવો તો તમારાં ચપ્પલ ઘસાઈ જાય પરંતુ તમારું કામ થતું નથી. વડોદરાના સમા, નર્મદા ભુવન અને અકોટા મામલતદાર કચેરી ખાતે જે પણ એજન્ટો સક્રિય છે તે એ ભ્રષ્ટ અધિકારીઓ માટે કામ કરી રહ્યા છે જેમના પર આજ દિન સુધી સરકારનો કોરડો વિંઝાયો નથી. જનતાના પ્રતિનિધિ બનીને ફરતા ધારાસભ્યો કે સાંસદો પણ જનતાને લૂંટવાના આ ખેલ સામે મૌન છે તે ગરીબ જનતા માટે ભ્રષ્ટાચારના ઘા પર મીઠું ભભરાવવા જેવી સચ્ચાઈ બની ગઈ છે. આ તમામ એજન્ટનોની ઉપર કોઈ અધિકારીનો જ હાથ છે જે આ કાળી કમાણીના માસ્ટર માઈન્ડ છે.
એક વાત નિશ્ચિત છે કે કેટલાક સરકારી અધિકારીઓએ સરકારી કચેરીઓને ભ્રષ્ટાચારની દુકાનો બનાવી દીધી છે. ભ્રષ્ટાચારની આ દુકાનોમાં અનેક ગરીબ લોકોની લોહીની કમાણીનાં નાણાં ચાંઉ થઈ રહ્યાં છે. સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત સરકારની છાપને કાળી કમાણીથી કલંકિત કરનારા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે ખરા..? જો કાર્યવાહી થશે તો કેટલા સમય સુધીમાં થશે? શું આ સચ્ચાઈ પછી રાજ્ય સરકાર કડકમાં કડક એક્શન લઈને જનતાને અહેસાસ કરાવશે ખરી કે ગુજરાતમાં ભ્રષ્ટાચારની સિસ્ટમ નહીં ચાલે, અહીં ચાલશે માત્ર સુશાસનની સિસ્ટમ.