ઝી મીડિયા/બ્યૂરો :યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ આખરે ભારત પહોંચ્યા છે. 2 ફ્લાઈટમાં વિદ્યાર્થીઓ દિલ્લી અને મુંબઈ સુધી આવી પહોંચ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. ખાસ શરૂ કરાયેલી રેસ્ક્યૂ ફ્લાઈટમાં વિદ્યાર્થીઓએ ભારત આવીને રાહતનો શ્વાસ લીધો હતો. મુંબઈ અને દિલ્હીથી વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચી રહ્યાં છે અને પોતાના ઘરે જઈ રહ્યાં છે. યુક્રેનથી પરત આવી રહેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતના કુલ 50 વિદ્યાર્થીઓ છે. જેમાં સુરતના 6, વડોદરાના 18, વલસાડના 3, અમદાાદના 5, રાજકોટના 6 અને અન્ય વિદ્યાર્થીઓ ભાવનગર તથા અમરેલી જિલ્લાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડનો વિદ્યાર્થી પરત આવતા પરિવાર ભાવુક થયો 
યુક્રેન ખાતે ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્રારા પરત ભારત લાવવામાં આવી રહ્યા છે. ગત રોજ મુંબઈ ખાતે આવેલા વિમાનમાં ભારતના વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. જેમાં ગુજરાતના પણ 50 જેટલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બસ મારફતે પરત ગુજરાત લાવવામાં આવ્યા હતા. તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે રહેતો વિદ્યાર્થી કૃણાલ નગીનભાઈ જાદવ પણ પરત આવ્યો છે. વિદ્યાર્થીને લેવા આવેલા પરિવારના સભ્યો તેને જોઈને ભાવુક થઈ ગયા હતા. સાથે યુક્રેનથી પરત ફરેલા યુવાન દ્વારા યુક્રેનની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાનું જણાવ્યું હતું. તો ભારત પરત આવી એક ખુશી વ્યક્ત કરી હતી. તેણે હજુ પણ ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓને પણ ભારત વહેલી તકે પરત લાવવામાં આવે એવી લાગણી કુણાલે વ્યક્ત કરી હતી. 


યુક્રેનથી વિદ્યાર્થીઓ વિશેષ વિમાનમાં ભારત પહોંચ્યા છે. ત્યારે મુંબઈથી ગુજરાત લાવવાની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. મુંબઈ એરપોર્ટથી રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાત લાવવામા આવી રહ્યાં છે. આ માટે વિદ્યાર્થીઓને લાવવા GSRTC ની 2 વોલ્વો બસ મુંબઈ મોકલાઈ હતી. યુક્રેનમાં ફસાયેલ લોકોને પરત લાવવા સરકાર મક્કમ બની છે. વિદ્યાર્થીઓને સલામત રીતે પોતાના વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈ ટ્વીટ કર્યુ હતું.