રાજકોટ : રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં શાળા તથા કોલેજના ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકુફ રખાઇ હતી. જો કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઇન લેવા માટે આદેશ કરાયો છે. યુનિવર્સિટી તથા કોલેજો જુલાઇમાં પોતાની અનુકુળતા અનુસાર અનુસ્નાતક અને સ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોના અંતિમ વર્ષમાં રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા યોજવા અંગે નિર્ણય લવાયો હતો. આ અંગે કુલપતીએ માહિતી આપતા જણાવ્યું કે, 8 જુલાઇથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના અંતિમ વર્ષમાં રહેલા રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીના આ નિર્ણયની સીધી હજારો વિદ્યાર્થીઓ પર અસર પડશે. 


જો કે રાજ્ય સરકારે તમામ કોરોના ગાઇડ લાઇનનું કડક રીતે પાલન કરવા માટેની ટકોર કરી છે. વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર આ ઉપરાંત કોઇ વિદ્યાર્થી શંકાસ્પદ જણાય તો તેને બેસવા માટેની અલગ વ્યવસ્થા કરવા માટે પણ આદેશ અપાયો છે. સુપર વાઇઝરે પણ માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પહેરીને જ કામગીરી કરવાની રહેશે તેવું જણાવાયું છે. 


ગુજરાત યુનિવર્સિટીએ પણ કોરોના કેસમાં ઘટાડા બાદ બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરનાં રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાશાખાની ઓફલાઇન પરીક્ષા 6 જુલાઇથી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. યુનિવર્સિટીના નિર્ધારિત કેન્દ્રોમાં 25 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube