આશ્કા જાની, અમદાવાદઃ મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે ઝી24કલાક કરે છે સવાલ કે આ ઘટનાના બે દિવસ વીત્યા છતાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીના માલિક ક્યાં ગાયબ છે? શું ઓરેવાના માલિક અને ઝૂલતા પુલના સંચાલક જયસુખ પટેલ ઉતરી ગયા છે ભૂગર્ભમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે પુલનું ઓરેવા ગ્રુપે ગર્વભેર રિનોવેશન કરાવ્યું અને ઉદઘાટન વખતે મોટી-મોટી વાતો કરી એ પાંચ દિવસમાં જ તૂટી પડ્યો. આ હોનારતમાં 130થી વધુનાં મોત થયા છે. આમ છતાં હજુ સુધી આ હોનારત માટે જવાબદાર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ અથવા તેમના પરિવારમાંથી કોઈએ મૃતકોના પરિવારજનો માટે શ્રદ્ધાંજલિના બે શબ્દ પણ કહ્યા નથી. આખું મોરબી અત્યારે જયસુખ પટેલને શોધી રહ્યું છે, પરંતુ તેમનો કોઈ અતોપતો નથી. મોરબીની હોનારાતના બે દિવસ વીત્યા છતાં જયસુખ પટેલ ભુગર્ભમાં છે.


મોરબીના ઝૂલતા પુલની હોનારત બાદ પોતાની પોલ ખૂલી જવાની બીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પરિવાર સહિત ભૂગર્ભમાં જતા રહ્યાની વાત છે. હજી પાંચ દિવસ પહેલાં પોતાના પરિવારમાં જાણે લગ્ન હોય એ રીતે જયસુખ પટેલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં ઓરેવા ગ્રુપે કેટલો ખર્ચો કર્યો છે અને ક્યાં-ક્યાંથી મટીરિયલ લીધું છે એવી મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ પાંચ દિવસમાં જ ઓરેવા ગ્રુપની નબળી કામગીરીની પોલ ખૂલી જતાં જયસુખ પટેલ અને તેમનો પરિવાર ભૂગર્ભમાં જતો રહ્યો હોવાનું મનાય છે.


અમારી ટીમે જ્યારે ઓરેવાના માલિક જયસુખ પટેલની શોધખોળ કરવાનો પ્રયાસ  કર્યો ત્યારે ક્યાંય તેની ભાળ મળી નહીં. ઓરેવા ફાર્મ અને ઓફીસ પર પણ તાળા લાગેલાં જોવા મળ્યાં. ત્યારે સવાલ એ થાય છેકે, આખરે આ જયસુખ પટેલ ક્યાં છે?  એક તરફ તપાસનો ધમધમાટ બીજી તરફ જયસુખ પટેલ ફરાર. મોટેભાગે ઓરેવા ફાર્મ હાઉસ પર રોકાતા જયસુખ પટેલ હાલ આ હોનારત બાદ ગાયબ છે. જયસુખ પટેલની ઓરેવા કંપનીએ મોરબીનો ઝૂલતો બ્રિજ તંત્ર પાસેથી લિઝ પર લીધો હતો. જેમાંથી તેમને તગડી કમાણી કરવાનો અંદાજ હતો. સમારકામ બાદ જયસુખ પટેલ અને તેમના પરિવારે ઝૂલતા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.


મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ગઈકાલે મીડિયાને જણાવ્યું હતું કે ઓરેવાએ બારોબાર ઝૂલતા પુલનું 26 ઓક્ટોબરે લોકાર્પણ કરી દીધું હતું. આ ઉદઘાટન સમારોહમાં ક્યાંય નગરપાલિકાના કોઈ સભ્ય અથવા અધિકારી જોવા મળ્યા નહોતા. ઓરેવા ગ્રુપના ફેસબુક અને ઈન્સ્ટા પેજ પર નવનિર્મિત ઝૂલતા પુલના ઉદઘાટનના ફોટો અને વીડિયોમાં માત્ર ઓરેવાના એમડી જયસુખ પટેલ અને તેમનું ફેમિલી જ દેખાતું હતું. આમ, આ પુલ જાણે જયસુખ પટેલની પ્રાઈવેટ પ્રોપર્ટી હોય એ રીતે તેમણે બારોબાર ઉદઘાટન કરી દીધું હતું.


એટલું જ નહીં મોરબી નગરપાલિકાએ માર્ચ-2022માં એક ખાસ કરારના આધારે ઓરેવા કંપનીને 15 વર્ષ માટે ઝૂલતો પુલ લીઝ પર સોંપી દીધો હતો. આ કરાર 5 માર્ચ, 2022ના રોજ કરવામાં આવ્યો હતો. આ કરારની મુખ્ય શરત અનુસાર વર્ષ 2022-23 દરમિયાન 12 વર્ષથી ઉપરના દરેક મુલાકાતી માટે રૂ. 15 અને નાના છોકરા માટે રૂ. 10 વસૂલવાના હતા, પરંતુ ઓરેવાએ પુલ ખૂલ્યાના પહેલા દિવસથી જ મોટી વ્યક્તિના રૂ. 17 અને નાના છોકરાના રૂ. 12 ઉઘરાવવા માંડ્યા હતા. આમ તેણે શરૂઆતથી જ લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું હતું. ઓરેવાના માલિકની નીતિ ખુબ જ ઝડપથી પૈસા કમાવી લેવાની હતી.