ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સુરત મહાનગર પાલિકાને ભારતના બીજા સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. તો અમદાવાદને મેગાસિટીમાં સ્વચ્છતાનો એવોર્ડ મળ્યા છે. મુખ્યમંત્રીએ આ માટે મંત્રી વિનુ મોરડીયા સહિત સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. જિતુ વાઘાણીએ કહ્યુ કે, ગ્રામીણ સ્વચ્છતામાં પણ ગુજરાતને એવોર્ડ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 12 વખત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને આ વર્ષે 13મી વખત આયોજન કરવાનું સરકારે નક્કી રહ્યું છે. રાજ્ય સરકારે 14 અને 15 ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાવનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. જિતુ વાઘાણીએ કહ્યુ કે તાપી અને ગીર સોમનાથમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તો અન્ય જિલ્લાઓમાં યોજાનાર કાર્યક્રમમાં સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. જિતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાત અલગ-અલગ દિશામાં વિકાસના કામો કરી રહ્યું છે. આ કામગીરીની દેશમાં પણ નોંધ લેવામાં આવે છે. 


આ પણ વાંચોઃ પોરબંદરમાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મામલો ઉગ્ર બન્યો, પોલીસ અને ટોળું આમને-સામને


પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર વર્તમાન PM અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. 


આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube