સુરતમાં 10 કરોડના ખર્ચે ઉડિયા સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરાશે: નવીન પટનાયક
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઉપરાંત પુરુષો માટે 5 લાખ અને મહિલાઓ માટે 7 લાખ સુધીની આરોગ્યલક્ષી સેવા, ઓડિશાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક તથા ઉચ્ચ શિક્ષણની શાળાઓની સ્થાપનાની જાહેરાત કરી હતી.
સુરત: સુરતમાં ઉડિયા મહોત્સવમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે હાજરી આપી હતી. અમરોલી વિસ્તારમાં રંગારંગ ઉડીયા મહોત્સવનું આયોજન કરાયું હતું. જ્યાં મોટા પ્રમાણમાં સુરતમાં રહેતા ઓડિશાવાસીઓ હાજર રહ્યા હતા. નવીન પટનાયકે પોતાના સંબોધનમાં તેમણે પ્રથમ ગાંધીજીની યાદ કર્યા હતા. જે બાદ ઉડીયા સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના માટે 10 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પુરુષો માટે 5 લાખ અને મહિલાઓ માટે 7 લાખ સુધીની આરોગ્યલક્ષી સેવા આપવાની મહત્વની જાહેરાત કરી હતી.
ઓડિશાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવાની તેમજ હાયર સેકન્ડરી સ્કૂલો શરૂ કરવાની નવીન પટનાયકે જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા નવીન પટનાયકની મુલાકાતને લઈને રાજકીય દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહી છે. સુરતમાં આશરે ઓડિશાવાસીઓની વસ્તી 7 લાખ જેટલી છે. જેને લઈને સુરતમાં ઓડિશાવાસીઓનું સંખ્યાબળ સરકારને બતાવવાનો નવીન પટનાયકે પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નવીન પટનાયકે સુરતમાં વસતા ઓડિશાવાસીઓની સુવિધા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે માગ કરી હતી.
જેમાં તેમણે ભુવનેશ્વરથી સુરત વચ્ચે હવાઈ સેવા, બરહમપુરથી સુરત વચ્ચે રોજની બે ટ્રેન ચાલુ કરવા તથા સુરતમાં ઓડિશાવાસીઓ માટે કોમ્યુનિટી સેન્ટરની સ્થાપના માટે જમીનની માંગ કરી હતી. કાર્યક્રમમાં ઓડિશા કલાકારોએ મંચ પર ઉડીયા ભાષામાં ગીતો ગાઈને રંગત જમાવી હતી. કાર્યક્રમમાં ઓડિશાના ધારાસભ્ય અને મંત્રીઓ સહિતના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નવીન પટનાયકે સુરતમાં વસતા ઓડિશાવાસીઓની સુવિધા માટે માગ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલને તેમણે પત્ર લખ્યો હતો. જેમાં તેમણે સુરત-ભુવનેશ્વર વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા, બરહમપુર અને સુરત વચ્ચે રોજની બે ટ્રેન ચાલુ કરવાની તેમજ આન્યા માગ કરવમાં આવી હતી.