અમદાવાદઃ મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઊતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે અને હજુય અહર્નિશપણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ૨૯ દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ઊડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા ૨૯ દિવસમાં જ ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.


૧૦૮ના સ્ટાફે કર્તવ્યનિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ ૧૦૮ આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ! ૧૦૮ આવી ગઇ, હવે વાંધો નહી આવે.


ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ ૧૦૮ની નિ:શુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ સરકારી ડોક્ટરે નેવે મૂકી માનવતા, કેશ પેપરમાં લખ્યું- 'બૈરૂં કરડી ગયું'


૧૦૮ જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ ૨૫૭ તાલુકા, ૧૮ હજાર જેટલાં ગામો, ૩૩ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ ૧૦૮ની સેવાનું માળખું ફેલાયેલુ છે.


ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બીમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પીડાવિહીન પ્રસૂતિ કરાવવામાં આ ૧૦૮ની સેવા ખૂબ મદદરૂપ બની છે.


રાજ્યમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં ૧.૬૨ કરોડથી વધુ લોકોએ આ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે ૧૫.૩૭ લાખ લોકોના જીવ બચાવવાનું મહામૂલું કાર્ય પણ થયું છે, તો ૧.૪૨ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે.  હાલમાં અંદાજે ૪ હજારથી વધુ ૧૦૮ કર્મીઓ સેવા આપી રહ્યા છે.


અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરિંગ કરવાના કારણે આ સેવા ખૂબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.


આ પણ વાંચોઃ ઓગસ્ટમાં ભારેથી અતિભારે, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ગુજરાતમાં લાવશે વરસાદઃ અંબાલાલ


૧૦૮ મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલનાં સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર - ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે. 


ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ૧૦૮ ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર ૧૦૮ સેવાનું મોનિટરિંગ માટેનું ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજે ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે.