અમદાવાદઃ અમદાવાદમાં સોલા ખાતે આવેલા ઉમિયાધામમાં પાસ સમિતિનાં સભ્યો અને 6 પાટિદાર સંસ્થાઓના અગ્રણીઓ વચ્ચે રાત્રે બંધબારણે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાર્દિકની માગણીઓ મુદ્દે સંસ્થાઓના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બંધબારણે યોજાયેલી બેઠક બાદ પાસ સમિતિના પ્રવક્તા તરીકે મનોજ પનારાએ બેઠકમાં થયેલી ચર્ચા અંગેની વિગતો મીડિયાને જણાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાસ-પાટીદાર સંસ્થાઓ વચ્ચેની આ બેઠકમાં, વિશ્વ પાટિદાર સંસ્થાનના પ્રમુખ સી.કે. પટેલને સરકારના એજન્ટ કહેવા બદલ પાસ સમિતિના સભ્ય મનોજ પનારાએ તમામ અગ્રણીઓ સમક્ષ માફી માગી હતી. આ ઉપરાંત, બેઠકમાંથી બહાર આવ્યા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું છે કે, આવતીકાલે તેમની સરકાર સાથે કોઈ બેઠક નથી. મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે તે માત્ર ને માત્ર અફવા છે. 


આ બેઠક બાદ પાસ સમિતિના સભ્ય એવા મનોજ પનારાએ પત્રકાર પરિષદને સંબોધીને સમગ્ર બેઠક અંગે વાત કરી હતી. મનોજ પનારાએ જણાવ્યું કે, 6 પાટિદાર સંસ્થા અને પાસ સમિતિ વચ્ચે બંધબારણે જે બેઠક મળી તેમાં અત્યાર સુધી થયેલી ઘટનાઓ અને સામ-સામા નિવેદનો અંગે ખુલ્લા દિલે ચર્ચા કરવામાં આવી હતી. આંદોલન માટે 6 પાટિદાર સંસ્થાના વડીલો અને પાસ સમિતિનાં મળીને કુલ 24 સભ્યોની એક સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે. 


પનારાએ વધુમાં જણાવ્યું કે, મારા અને સી.કે.પટેલ વચ્ચે જે જુદા-જુદા નિવેદન આવતા હતા તેના અંગે સામ-સામે બેસીને ચર્ચા કરાઈ હતી. વડીલો અમારા માર્ગદર્શક બનશે અને યુવાનો આ આંદોલનને આગળ ધપાવશે. સી.કે. પટેલ ઘણા જ મોટા મનના માણસ છે. મેં જ્યારે તેમની સામે દિલગીરી વ્યક્ત કરી ત્યારે તેમણે કહ્યું કે, દિકરો ભુલ કરે ત્યારે પિતા માફ કરે છે.


[[{"fid":"181836","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ બેઠકમાં ઉમાધામ, ખોડલધામ, વિશ્વ ઉમા ફાઉન્ડેશન, પાટિદાર સમાજ સહિતની સંસ્થાના વડા સહિત પાસ સમિતિ તરફથી મનોજ પનારા, ધાર્મિક માલવિયા, બ્રિજેશ પટેલ, રમેશ કાકા, મહેશભાઈ, દિનેશભાઈ વગેરે બધા ખુલ્લા દિલે મળ્યા અને આંદોલનના ત્રણ વર્ષ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 


મનોજ પનારાએ જણાવ્યું કે, સંસ્થાના સભ્યો વચ્ચે વિચારભેદ - મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોઈ શકે. પાસ સમિતિના આંદોલનના મુખ્ય ત્રણ મુદ્દા પાટિદાર સમાજને અનામત, ખેડૂતોનાં દેવા માફી અને અલ્પેશની મુક્તી માટે વડીલો પણ સહમત થયા છે. આ સાથે જ પાસ સમિતિ તરફથી કોઈ પણ માહિતી જાણવી હોય તો પ્રવક્તા તરીકે મનોજ પનારાનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું અને 6 પાટિદાર સંસ્થાના નેતા તરીકે સૌની સંમતિથી સી.કે. પટેલની વરણી કરવાનું પણ પનારાએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં સરકાર સાથે જે કોઈ વાતચીત કરવાની થશે તે સી.કે. પટેલની અધ્યક્ષતામાં જ કરવામાં આવશે તેવું પણ મનોજ પનારાએ જણાવ્યું હતું. 


બેઠક બાદ સી.કે. પટેલે પત્રકારોને જણાવ્યું કે, પાસ સમિતિના સભ્યો અમને સામેથી મળવા આવ્યા હતા. મનોજ પનારાએ દિલથી દિલગીરી વ્યક્ત કરી હતી. અમે પણ પિતાતુલ્ય બનીને તેમને માફ કર્યા છે અને આ વિષય અહીં પૂરો થયો છે. અમારા તમામ મતભેદ દૂર થયા છે. અમે સરકારને મળ્યા હતા અને વિવિધ મુદ્દે રજૂઆત પહેલાથી જ કરી ચૂક્કયા છીએ. સરકારે વિચારીને જવાબ આપવા જણાવ્યું હતું. અમે સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. સરકારનો અભિગમ પોઝિટિવ હતો અને આશા રાખીએ છીએ કે તેનો સુખદ અંત આવશે. હાર્દિકને તેની માગણીઓ પર સંતોષ થશે અને તે પારણા કરશે.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ હાર્દિકના ઉપવાસને લઈને રાજ્યની 6 પ્રમુખ પાટિદાર સંસ્થાઓના પ્રમુખોએ સરકાર સાથે બેઠક કરી હતી અને તેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરીને મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી હતી. આ બાબતનો પાસ સમિતિ દ્વારા ભારે વિરોધ કરાયો હતો અને સમિતિ તરફથી મનોજ પનારાએ એવું કહ્યું હતું કે, સી.કે. પટેલ સરકારના એજન્ટ છે. તેમની અમારી સાથે કોઈ જ વાત થઈ નથી.