પાસના ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં શત્રુઘ્ન સિંહાએ આપી હાજરી, હાર્દિક પટેલની કરી પ્રશંસા
આ સાથે તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગર્વની વાત છે.
જૂનાગઢઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વંથલીમાં ખેડૂત સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 10 હજાર જેટલા ખેડૂતો હાજર રહ્યાં હતા. હાર્દિક પટેલે પણ સંબોધન કર્યું હતું. તો કાર્યક્રમ પહેલા હાર્દિક પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થતા વિવાદ પણ થયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પાઠવ્યા અભિનંદન
પાસના ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ હાજરી આપી હતી. રાજકોટ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ગર્વની વાત છે. જે લોકોએ તેને બનાવવા પાછળ મહેનત કરી છે તે તમામ અભિનંદનને પાત્ર છે. આ સાથે તેમણે હાર્દિક પટેલના વખાણ કરતા કહ્યું કે, હાર્દિક સરકારની વિરુદ્ધમાં પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે. તે આપણા સમાજનો વ્યક્તિ છે. ત્યારે આજે સરકારી અને દરબારી કામમાં વહિવટીતંત્રનો બેફામ ઉપયોગ થઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો સાથે રામ મંદિર બનાવવાના પ્રશ્ન અંગે તેમણે ખામોશ કહી કંઈ પણ કહેવાનુ ટાળ્યું હતું.