સાગર ઠાકર/જુનાગઢ :સમગ્ર વિશ્વમાં સુપરફૂડની ખેતી કરવાનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એમાં એક ફ્રૂટ અત્યારે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. શિયાળામાં જે ફ્રૂટ જોવા મળી રહ્યાં છે તેમાં પબડી નામનું ફળ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. જુનાગઢમાં પબડી નામનાં ફળ હાલ બજારમાં વેચાઈ રહ્યા છે. ફળની અંદર જાંબલી કલરના દાણા હોય છે તેને ફોલીએ તો તેમાંથી સીંગદાણા જેવો સફેદ દાણો નીકળે છે. તે ખૂબ જ પૌષ્ટિક મનાય છે. જાણકારી મુજબ, પબડીનું કોઈ કોમર્શીયલ ઉત્પાદન થતું નથી. પરંતુ શહેરોમાં અને કોઈ કોઈ ખેતરોમાં આ વૃક્ષ જોવા મળે છે. તેનું ઝાડ ખૂબ ઊંચું હોય છે અને શિયાળામાં તેના પર ફળ આવે છે. આ ફળનો દેખાવ એટલો આકર્ષક છે કે તેનું જો કોમર્શિયલ ધોરણે ઉત્પાદન કરવામાં આવે તો ખૂબ વેચાણ થઈ શકે તેમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરી વિસ્તારમાં છૂટા છવાયા અથવા ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ કોઈ ખેતરોમાં શેઢા પાળે પબડીનું વૃક્ષ જોવા મળે છે. બાગાયત શાસ્ત્રની દ્રષ્ટિએ પબડી એક જંગલ સ્પીસીસ છે, તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થતું નથી. પરંતુ જો વૃક્ષ ઉગી નીકળ્યું હોય તો તેમાં આઠ વર્ષે પ્રથમ ફાલ આવે છે અને ત્યારબાદ દર વર્ષે ફળ આવે છે. દેખાવમાં અર્ધગોળાકાર ફળ એક કાચલી જેવું હોય છે. જેને ખોલવામાં આવે તો બે ભાગ થાય છે. તે હાર્ટ એટલે કે દિલ આકારના હોય છે અને તેના બંને ભાગમાં નાના નાના ફળો હોય છે. પબડીનો આ દેખાવ જ તેના તરફ લોકોને આકર્ષે છે. લોકો માટે આ કુતુહલવશ એક ફળ છે. જેમાં ગુલાબી કાચલીમાં કાળા રંગના ફળો એટલા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે જાણે કુદરતની કરામત જોવા મળતી હોય.


આ પણ વાંચો : વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ આવ્યો, ગુજરાતમાં કુલ 5 કેસ 


પબડીનું ફળ એવું છે કે તે ફળ આખું નથી ખાઈ શકાતું, પરંતુ તેના બીજ ખાવામાં આવે છે. પબડીના ફળની કાચલી તોડ્યા પછી તેના બે ભાગ થાય છે, તેમાં જે નાના ફળો હોય છે. તેના પર છાલના ત્રણ પડ હોય છે તે પડ ઉતારીને તેમાંથી જે સફેદ બીજ નીકળે તે ખાવાનો ભાગ હોય છે. જે સ્વાદમાં નાળીયેર જેવો લાગે છે અને પૌષ્ટિક પણ છે.


કેટલાક ખેડૂતો પોતાના ખેતરમા એક કે બે વૃક્ષો પબડીના રાખે છે, તેનાથી છાંયો રહે છે અને તેનું લાકડું પોચું હોય છે અને દિવાસળી બનાવવા માટે ઉપયોગી છે. જો કે પબડીની બજારમાં ખાસ કોઈ ડિમાન્ડ નથી. કારણ કે તેનો કોઈ કમર્શિયલ ઉપયોગ નથી. તેથી જે વૃક્ષો બચેલા છે, તેમાં જે ફળોનો ઉતારો થાય છે તે બજારમાં મળે છે અને જે લોકો પબડીથી પરિચીત છે તે લોકો તેને દેશી કાજુની જેમ ખાય છે. પબડી ફળની ખાસિયત એ છે કે, તેનો ખાસ કોઈ વિશિષ્ટ સ્વાદ નથી. પરંતુ જે તેનો દેખાવ છે તે એટલો આકર્ષક છે કે લોકોને પબડી ખાવાનું મન થઈ જાય છે.


આ ફળનો દેખાવ હાર્ટ શેપમાં છે અને તેમાં ગુલાબી પડ વચ્ચે જાંબલી રંગનાં નાનાં નાનાં ફળ બેસે છે. પહેલી નજરે એવું લાગે કે અંદર જાંબુ છે. પરંતુ જુનાગઢમાં આ ફળને પબડીથી લોકો ઓળખે છે. આ ફળને લોકો કુતુહલ સાથે ખરીદે છે. અમદાવાદમાં આ ફ્રૂટનું વેચાણ ગ્રીન પિસ્તા તરીકે થાય છે. જો ખેડૂતો આની ખેતી કરીને કોમર્શિયલ વેચાણ કરે તો આ ખેતી ફાયદાની ખેતી સાબિત થઈ શકે છે. કૃષિ યુનિવર્સિટીઓએ પણ આ અંગે ખેડૂતોનું માર્ગદર્શન કરવું જોઈએ. કેમ કે, કયા ફળમાં કયાં તત્વો છે તેના ઉપર તેની માંગ આધાર રાખે છે.