નવી દિલ્હી: આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જેતે કેટેગરીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. આ વખતે એવોર્ડ બે વર્ષ માટે આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે 141 લોકોને વર્ષ 2020 માટે અને મંગળવારે 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા. અભિનેત્રી કંગના રનૌત અને સિંગર અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને અન્ય 7 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા. 


ગુજરાતના આઠ લોકોને પદ્મ અવૉર્ડ એનાયત આવ્યા જે નીચે મુજબ છે. આ સિવાય એક પદ્મભૂષણ અને સાત પદ્મશ્રી અવૉર્ડ પણ એનાયત કરાયા છે.
- આર્કિટેક્ચરના ક્ષેત્રે બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ આપવામાં આવ્યો
- વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગફુરભાઈ બિલાખિયાને પદ્મશ્રી
- સાહિત્યક્ષેત્રે એચ એમ દેસાઈને પદ્મશ્રી
- વિજ્ઞાન અને એન્જીનિયરિંગ ક્ષેત્રે સુધીર જૈનને પદ્મશ્રી
- કલાના ક્ષેત્રે યાઝદી નૌશિરવાન કરંડિયાને પદ્મશ્રી
- સાહિત્ય ક્ષેત્રે નારાયણ જોશીને પદ્મશ્રી એનાયત
- શાહબુદ્દીન રાઠોડને સાહિત્યના ક્ષેત્રમાં પદ્મશ્રી
- મેડિસિન ક્ષેત્રે ડૉક્ટર ગુરદીપ સિંહને પદ્મશ્રી


પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 29 મહિલાઓ
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020 માટે 7 પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણથી 16 અને પદ્મશ્રીથી 119 લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર મેળવનારાઓમાં 29 મહિલાઓ, 16 મરણોત્તર પુરસ્કાર અને 1 ટ્રાન્સજેન્ડર પુરસ્કાર વિજેતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube